આંજણામાં ખુલ્લી તલવાર સાથે હુમલાનો વીડિયો વાઈરલ, શહેરમાં દહેશત
- તા. 11મીના અનવરનગરના CCTV ફૂટેજમાં કેટલાક લોકો ખુલ્લી તલવાર સાથે કોઈની પાછળ દોડતાં નજરે પડે છે
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન છતાં લુખ્ખા તત્વો બેફામઃ કોંગી અગ્રણી સાયકલવાલાએ સીધું ધ્યાન દોર્યું
બોલિવૂડનું કે પછી સાઉથનું કોઈ એક્શન પેક્ડ મુવી હોય અને તેમાં ગુંડાઓ ખુલ્લી તલવાર સાથે હુમલા માટે જાહેરમાં પબ્લીકની વચ્ચે દોડતાં હોય, તે જોવાની તો મજા આવી જાય. પરંતુ આવું જો વાસ્તવિકતામાં બને તો? સુરતમાં પણ કંઈક આવું જ બન્યું છે. આંજણા વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે દોડીને હુમલા કરતાં ગુંડાઓનો વીડિયો વાઈરલ થયો છે, જેણે માત્ર આંજણા જ નહીં પરંતુ શહેરભરમાં દહેશતનો માહોલ ઉભો કરી દીધો છે.
પરપ્રાંતિયોની બહુમતિ ધરાવતાં ઉધના, સચિન, પાંડેસરા, ભેસ્તાન, ઉન કે પછી લિંબાયત જેવા કેટલાક વિસ્તારોમાં ક્રાઈમનો રેશિયો સ્વાભાવિક રીતે જ વધારે છે. તદ્દન નાની બાબતોમાં મારામારી, હત્યાની કોશિષ કે પછી કોઈનું ઢીમ ઢાળી દેવું, આવી ઘટનાઓ સામાન્ય થવા લાગી છે. ગુનાખોરી વધવા માટે લોકો પોલીસને દોષી ગણી રહ્યાં છે કે પોલીસ કંઈ કરતી નથી. ઉપરાછાપરી અનેક ગુનાખોરીની ઘટનાઓ લોકોની આ વાયકાને કદાચ સાચી ઠરાવી દે છે.
ગઈ તા. 11મીના રોજ આંજણાના અનવરનગર વિસ્તારમાં હુલ્લડ જેવું દૃશ્ય સર્જાયું હતું. હાથમાં ખુલ્લી તલવાર સાથે એક યુવક પહેલાં ટ્રક રોકે છે અને ત્યારબાદ ક્યાંક દોડે છે. અન્ય ફૂટેજ મુજબ બેથી ત્રણ યુવકો હાથમાં ખુલ્લી તલવાર સાથે કોઈની પાછળ દોડતાં જોવા મળે છે. સાથે જ લોકોના ટોળાં પણ ગભરાટના માર્યા આમતેમ નાસ-ભાગ કરતાં નજરે પડે છે. આ વીડિયો વાઈરલ થતાં શહેરભરમાં દહેશત ફેલાઈ છે. સુરત શહેરમાં હવે કંઈપણ થઈ શકે તેવો ભય લોકોમાં પેદા થયો છે.
વીડિયો અંગે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ હર્ષ સંઘવીને ટાંકીને મ્હેણું માર્યું છે કે ગૃહરાજ્યમંત્રી સુરતના હોવા છતાં તેમના હોમટાઉનમાં અસામાજિક તત્વો દિનપ્રતિદિન બેફામ બની રહ્યાં છે.