સુરતનું ગૌરવ, ભારતના સૌથી શિક્ષિત શહેરોની ટોપટેન યાદીમાં પ્રવેશ
- સુરત 10મા અને અમદાવાદ 8મા ક્રમેઃ કર્ણાટકનું બેંગલુરુ પ્રથમ જ્યારે મહારાષ્ટ્રનું પૂણે દ્વિતીય ક્રમે જાહેર
- છેલ્લા સાતેક વર્ષની સરખામણીમાં દક્ષિણના શહેરો ઉપરાંત મુંબઈ-દિલ્હીનો દબદબો ઘટ્યો, અમદાવાદ થોડું નીચે સરક્યું
સુરત શહેરે વધુ એક ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે. ભારતના સૌથી વધુ શિક્ષિત શહેરોની યાદીમાં સુરતે પ્રથમ વખત ટોપ ટેનમાં પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જાહેર થયેલી 10 શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે કર્ણાટકનું બેંગલુરુ આવ્યું છે. આ સાથે જ ઘણાં વર્ષોથી શિક્ષિત શહેરોની યાદીમાં દક્ષિણના શહેરો ઉપરાંત દિલ્હી-મુંબઈનો જે દબદબો હતો તેમાં ઘટાડો થયો છે.
તાજેતરમાં જાહેર કરાયેલી ટોપ ટેન સૌથી શિક્ષિત શહેરોની યાદી મુજબ બેંગલુરુ પ્રથમ સ્થાને છે. જ્યાં નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીઝ, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સીઝ, સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફીક રીસર્ચ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જેવા દેશની અગ્રણી શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. બીજા સ્થાને પૂર્વના દેશોનું ઓક્સફોર્ટ ગણાતું પૂણે શહેર છે, જે લો અને મેનેજમેન્ટના ક્ષેત્રે પ્રસિદ્ધ છે. ત્રીજા સ્થાને હૈદ્રાબાદનો સમાવેશ છે, જે IT અને એન્જિ. ક્ષેત્રે વિદ્યાર્થીઓની વિશેષ પસંદગીનું રહ્યું છે.
ચોથા સ્થાને મહારાષ્ટ્રનું મુંબઈ અને પાંચમા સ્થાને દિલ્હી એનસીટીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો પૂર્વે શિક્ષણ ક્ષેત્રે મુંબઈ અને દિલ્હી વચ્ચે ટોપ ફર્સ્ટ માટે ટાઈ રહેતી હતી, પરંતુ હવે આ શહેરો થોડા પાછળ ધકેલાયા છે. 6ઠ્ઠા સ્થાને ચેન્નાઈનો સમાવેશ છે, જે અગાઉ ટોપ થ્રીમાં પણ હતું. સાતમા સ્થાને કોલકાતા રહ્યું છે, તો 8મા સ્થાને ગુજરાતના અમદાવાદનો સમાવેશ છે. અગાઉના વર્ષોમાં અમદાવાદ ટોપ ફાઈવમાં ઝળક્યું હતું, જે થોડું પાછળ ધકેલાયું છે. 9મા સ્થાને રાજસ્થાનના જયપુરનો સમાવેશ છે.
ખાસ વાત એ છે કે સુરત શહેર ખાણી-પીણી તેમજ ઉજાણી માટે પ્રખ્યાત છે. ડાયમંડ અને ટેક્સટાઈલ જેવા ઉદ્યોગોએ સુરત શહેરને વૈશ્વિક ફલક ઉપર મોભાનું સ્થાન આપ્યું છે. ત્યારે શૈક્ષણિક ક્ષેત્રે સુરતનો ટોપટેનમાં પ્રવેશ સુરતીઓ માટે ખૂબ મોટી અને સન્માનજનક વાત છે.