October 31, 2024

સુરતમાં કોંગ્રેસ દ્વારા વેરાવધારાનો વિરોધઃ પાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન

  • જકાત બંધ કરી નહીં હોત તો હાલમાં રૂ. 2000ની આવક મળતે, લોકો ઉપર વેરાવધારો ઝીંકવો નહીં પડતે
  • જકાતની અવેજમાં દર વર્ષે 10 ટકાના વધારા સાથે રાજ્ય સરકારની ગ્રાન્ટ મેળવવામાં ભાજપ શાસકો નિષ્ફળ

સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા પાલિકાનું રૂ. 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું છે, જેમાં મિલકત વેરો તેમજ યુઝર્સ ચાર્જીસમાં રૂ. 307 કરોડનો વધારો કરાયો છે. આ વેરાવધારાને અન્યાયી ગણાવી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સુરત મુગલસરાઈ સ્થિત પાલિકાની મુખ્ય કચેરીએ કોંગ્રેસીઓએ મોરચો માંડી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વેરાવધારો પરત ખેંચવા મ્યુનિ. કમિશનર તેમજ ભાજપ શાસકોને આવેદનપત્ર પાઠવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ઉપરાંત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અવધેશસીંગ રાજપૂત, ઈક્બાલ પટેલ, અરવિંદ ભંડારી માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિતના કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું છે કે 14.11.2007ની સામાન્ય સભામાં ભાજપ શાસકોએ, કોંગ્રેસનો વિરોધ હોવા છતાં રાજ્યની ભાજપ સરકારના ઈશારે જકાત બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, જે હવે શહેરીજનો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે.

તે વખતે એવું નક્કી કરાયું હતું કે જકાતની આવકની અવેજમાં રાજ્ય સરકાર દર વર્ષે 10 ટકાના વધારા સાથે ગ્રાન્ટ ફાળવશે. અલબત્ત શહેરના ભાજપ શાસકો રાજ્ય સરકારની પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. ગણતરી મુજબ હાલમાં રાજ્ય સરકારે રૂ. 2000 કરોડની ગ્રાન્ટ જકાતની અવેજમાં ફાળવવી જોઈએ. પરંતુ અપૂરતી ગ્રાન્ટ ફાળવાતાં તેનો બોજ સુરત પાલિકા ઉપર આવ્યો છે. જેથી વિકાસના કામો માટે મિલકત વેરો તેમજ યુઝર્સ ચાર્જીસમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસી નેતાઓએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી શહેરીજનોના હિતમાં વેરાવધારાની જોગવાઈ રદ્દ કરવા અપીલ કરી છે. સાથે જ ભાજપ શાસકોને પણ આ વધારાને રદ્દ કરવા વિનંતી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *