તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપઃ 530થી વધુનાં મોત, હજારો ઘાયલ
- તુર્કીમાં 7.8ની તીવ્રતાના ભૂકંપે તુર્કી અને સીરિયામાં સેંકડો ઈમારતોને પળવારમાં ધરાશાયી કરી દીધી, ભારે તબાહી
- અનેક શહેરોમાં માતમનો માહોલઃ લેબેનોન અને ઈઝરાયેલમાં પણ ધરતી ધણધણીઃ ઈટાલીમાં સુનામીની ચેતવણી
વહેલી સવારે તુર્કીના ગાઝિયાન્ટેપ શહેરમાં 7.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા આવતાં ભારે તબાહી મચી છે. દક્ષિણ તુર્કીના આ શહેરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી નીચે અંદાજે 24 કિ.મી.થી વધુ ઊંડું હોવા ઉપરાંત સીરિયાની બોર્ડર નજીક હોવાથી તુર્કી તેમજ સીરિયામાં ભૂકંપની વિનાશક અસર જોવા મળી છે. આ બંને દેશોના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભૂકંપના બે ઝાટકામાં સેંકડો ઈમારતો પત્તાના મહેલની જેમ પળવારમાં ધરાશાયી થઈ ગઈ હતી. છેલ્લા સમાચાર મુજબ ભૂકંપને પગલે તુર્કીમાં 300થી વધુ લોકોનાં મોત અને 1500 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે સીરિયામાં અત્યાર સુધી 237 લોકોનાં મૃત્યુ અને 700 જેટલા લોકો ઘાયલ થયા છે.
ભૂકંપના આંચકા વહેલી સવારે 6.47 વાગ્યાના અરસામાં આવ્યો હતો. જેની અસર તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક અને જ્યોર્જિયા સુધી વર્તાઈ હતી. ખાસ કરીને તુર્કી અને સીરિયા ઉપરાંત ભૂકંપની વધુ અસર લેબેનોન અને ઈઝરાયેલમાં વધુ જોવા મળી હતી, અલબત્ત ત્યાંથી હજુ સુધી કોઈ નુક્સાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. સૌથી પહેલો ભૂકંપ 7.8ની તીવ્રતાનો હતો અને બીજો ભૂકંપ 6.7ની તીવ્રતાનો હતો જેનું કેન્દ્રબિંદુ પણ ગાઝિયાન્ટેપ પ્રાંતના નૂરદાગીથી 23 કિ.મી. દૂર જ નોંધાયું હતું, જે જમીનથી 9.8 કિ.મી.ની ઊંડાઈએ હતું.
વહેલી સવારના ભૂકંપને પગલે મોટાભાગના લોકો નિદ્રામાં જ હચમચી ઉઠ્યા હતાં. ભૂકંપથી થયેલી ખુવારીને પગલે ભારતના વડાપ્રધાન મોદી ઉપરાંત વિશ્વના દેશોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ વિશ્વભરમાંથી બચાવકાર્ય માટે મદદ પહોંચાડવી શરૂ કરી દેવાઈ છે. ભૂકંપને પગલે મૃત્યુઆંક વધવાની ભીતિ છે. મુખ્ય બે આંચકા બાદ ભૂકંપના અંદાજે 18 જેટલા આફ્ટરશોક્સ પણ નોંધાયા હતાં, જેને પગલે લોકોમાં દહેશત છે. ઈટાલીમાં સુનામીની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી.