લોન-સટ્ટાની 232 ચાઈનીઝ એપ્સ ઉપર ભારત સરકારે પ્રતિબંધ લાદ્યો
- સર્વર સાઈડ સિક્યોરિટીના દુરૂપયોગથી આવી એપ્સ જાસૂસીમાં કન્વર્ટ થવાનું જોખમ હતુંઃ ભારતીયોના ડેટા પણ અસુરક્ષિત હતાં
- ભારતીયોને નોકરીએ રખાયા બાદ લોનના પ્રલોભનો આપી તગડું વ્યાજ વસૂલાતું હતુંઃ ડિફોલ્ટર્સને કડનગત કરાતી હતી
ભારત સરકારે એક મોટાં પગલાં તરીકે લોન આપતી તેમજ સટ્ટો રમાડતી 232 ચાઈનીઝ એપ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે. સરકારના ગૃહ મંત્રાલયે આઈટી વિભાગને આદેશ જારી કર્યા હતાં. સરકાર દ્વારા કહેવાયું છે કે વિવિધ પ્રકારે સટ્ટો એટલે કે ઓનલાઈન જુગાર ચલાવતી 138 તેમજ લોન આપતી 94 એપ્સને ભારતમાં બ્લોક કરવામાં આવી રહી છે. હકીકતમાં તેલંગાના, ઉત્તર પ્રદેશ અને ઓડીશાએ ગૃહ મંત્રાલયને આ પ્રકારની વિનંતી મોકલી હતી અને છેલ્લા ઘણાં સમયથી આ એપ્સને ઓબ્ઝર્વેશન હેઠળ રખાઈ હતી.
સરકારનું કહેવું છે કે ભારતના મોટા ભાગના રાજ્યોમાં જુગારબંધી હોવાથી ઓનલાઈન જુગાર રમાડતી આવી એપ્સ ઉપર પ્રતિબંધ લદાયો છે. બીજી તરફ લોન એપ્સ માટે એવું કહેવાયું છે કે ભારતીયોને નોકરીએ રાખી મૂળ ચાઈનીઝ માલિકો દ્વારા લોનના પ્રલોભનો અપાતા હતાં. લોન આપ્યા બાદ વ્યાજમાં સીધો વધારો કરી દેવાતો અને તે ચૂકવવા માટે લોનધારકો ઉપર દબાણ કરાતું. એવી સ્ફોટક વિગતો પણ સાંપડી છે કે જે લોનધારકો વધુ વ્યાજની રકમ ચુકવતા ન હતાં તેમને ડિફોલ્ટર્સ જાહેર કરી તેમના ડેટા તેમજ માહિતીનો દુરૂપયોગ કરાતો હતો. એટલું જ નહીં, લોનધારકોએ લોન માટે આપેલા ફોટો મોર્ફ કરી, વાઈરલ કરવાની ધમકીઓ આપી તેમની કનડગત પણ કરાતી હતી.
સૌથી વધુ ચોંકાવનારી વાત તો એવી ખુલી છે કે મોટાભાગની ચાઈનીઝ માલિકીની આ એપ્સ એવા પ્રકારે બનાવાઈ છે કે જો સર્વર સાઈડ સિક્યોરિટી સાથે ચેડાં કરાય તો આવી એપ્સ જાસૂસી એપ્સમાં કન્વર્ટ થઈ શકે. જેથી સુરક્ષાના નામે પણ આ એપ્સ જોખમી હોવાથી તેને તાકીદે બ્લોક કરવાના હુકમ કરાયા છે.