ગુજરાતમાં જંત્રીના દર સીધા ડબલ, ઘર ખરીદ-વેચાણ કરનારા રડી ઉઠ્યાં
- 1લી જાન્યુ.થી જ નવા દર અમલી કરાતાં દસ્તાવેજની નોંધણીની એપોઈન્ટમેન્ટ્સ લેનારા રડી ઉઠ્યાં, સ્ટેમ્પ ડ્યુટી ડબલ થશે
- 11 વર્ષ બાદ વધારો કરાયો તે પણ તોતિંગઃ મહેસૂલ વિભાગે કલેક્ટરેટના માધ્યમથી સ્ટોક હોલ્ડર્સ પાસે સૂચનો મંગાવાયા હતાં
ગુજરાતીઓ માટે અને ખાસ કરીને રાજ્યમાં ઘર ખરીદ-વેચાણ કરનારાઓ માટે એક મોટો આંચકો આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે મોડી સાંજે રાજ્યના જંત્રીના દરોમાં સીધો 100 ટકાનો વધારો ઝીંકી દીધો છે. તેનો અમલ પણ તા. 6ઠ્ઠીના સોમવારથી જ કરાશે, જેથી દસ્તાવેજની નોંધણી કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લઈને બેઠેલા લોકો-વકીલો દોડતા થઈ ગયા છે.
સામાન્ય રીતે જોઈએ તો જંત્રીના દરો બમણા થઈ જવાથી લોકો ઉપર વધારાનો બોજ ઝીંકાશે તેવું સ્વાભાવિક રીતે લાગી રહ્યું છે. અલબત્ત સરકાર જંત્રી દ્વારા મહેસૂલી આવક વધારવાના પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ રીયલ એસ્ટેટ ક્ષેત્રે બ્લેક મનીનો જે કાળો કારોબાર છે તેના ઉપર પણ અંકુશ લાદી શકાશે. હાલમાં તો મોટાભાગના લોકો સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યાં છે, પરંતુ તેના અન્ય ફાયદાઓ પણ નોંધપાત્ર છે.
અગ્રણી એડવોકેટ ધર્મેન્દ્ર માટલીવાલાએ કહ્યું હતું કે જંત્રીના ભાવો વધવાથી રીયલ બાયર એટલે કે જરૂરિયાતથી જમીન-મિલકત ખરીદનારને મોટો ફાયદો થશે. જંત્રીના દરો વધતાં તેમને લોન વધુ મળી શકશે. અલબત્ત આ વ્યવસાયમાં જે કાળા નાણાંને લઈને મોટા ઈન્વેસ્ટમેન્ટ થતાં હતાં તેના પર અંકુશ આવશે તેવું લાગી રહ્યું છે.
એવું જાણવા મળ્યું છે કે નવી જંત્રીના દરના અમલની સાથે જ રાજ્યમાં સર્વેની કામગીરી પણ ચાલુ જ રહેશે અને સર્વે પૂર્ણ થયા બાદ નવી જંત્રી અમલમાં આવશે. મહેસૂલ વિભાગે કલેક્ટરેટના માધ્યમથી સ્ટોક હોલ્ડર્સ પાસે સૂચનો મંગાવ્યા હતાં અને તેના આધારે તાજેતરનો નિર્ણય લેવાયો છે. અલબત્ત આગામી સમયમાં મિટીંગો તેમજ વિરોધ કે સમાધાનના ઘટનાક્રમો પણ જોવા મળશે તે વાત નક્કી છે.