October 31, 2024

નરપિશાચઃ તાંત્રિક વિદ્યાની સિદ્ધિ માટે ગુરૂની હત્યા, દીવામાં ગુરૂનું લોહી પીધું

  • છત્તીસગઢના રાયપુરની કંપારી ઉપજાવનારી ઘટના, હત્યારા યુવકને પોલીસ ઝડપી પાડ્યો
  • ગુરૂ પાસે તાંત્રિક વિદ્યા શીખી, પરંતુ કોઈએ એવું કહ્યું કે ગુરૂનું લોહી પીવાથી ગુરૂની તમામ સિદ્ધિ મળી જાય, ને…

છત્તીસગઢના રાયપુર સ્થિત બુઢેની ગામમાં ગઈ તા. 1લીના રોજ પોલીસને એક વ્યક્તિની લાશ મળી આવી હતી, જે ખાસ્સી બળેલી હતી. પોલીસને પ્રાથમિક તબક્કે જ જાણ થઈ ગઈ હતી કે આ ક્રૂર હત્યાનો મામલો છે. જેથી પોલીસે મૃતકની ઓળખ કરી તપાસ શરૂ કરી, જે રાયપુરના નવાપુરા રાજિમ ખાતે રહેતાં 25 વર્ષીય રૌનક છાબડા સુધી દોરી ગઈ હતી. રૌનક છાબડાએ પૂછપરછમાં હત્યાની કબૂલાત કરી લીધી હતી પરંતુ સમગ્ર કિસ્સો જાણી પોલીસ પણ ચોંકી ઉઠી છે.

હકીકતમાં રૌનકને તાંત્રિક વિદ્યા શીખવાનું ભૂત ભરાયું હતું. રાજિમ નવાપુરામાં રહેતાં અને પેઈન્ટરનું કામ કરતાં ઉપરાંત તાંત્રિક વિદ્યા જાણતાં બસંત સાહુ સાથે રૌનકને પરિચય થયો હતો. રૌનકે બસંત સાહુને તાંત્રિક વિદ્યા શીખવા માટે મનાવ્યો હતો અને ગુરૂ બનાવ્યો હતો. કહેવાય છે કે છેલ્લા ઘણાં સમયથી બંને સાથે જ ફરતાં હતાં અને તંત્ર-મંત્ર સિદ્ધિ જેવી તાંત્રિક વિદ્યામાં રચ્યા પચ્યા રહેતાં હતાં.

દરમિયાન રૌનકને કોઈએ એવું કહ્યું હતું કે તું જો ગુરૂનું લોહી પી લે તો ગુરૂની તમામ સિદ્ધિ તને મળી જાય. જેથી રૌનકના મગજમાં બસંત સાહુનું લોહી પીવાનું ભૂત સવાર થઈ ગયું હતું. તા. 31મી જાન્યુ.ની રાત્રે તેઓ દારૂ ઢીંચીને થોડે દૂર બુઢેની ગામમાં સ્મશાન ભૂમિ નજીક પહોંચ્યા હતાં અને તંત્ર-મંત્ર શરૂ કર્યાં હતાં. જો કે લાગ જોઈને રૌનકે કોઈ બોથડ પદાર્થ વડે બસંત સાહુના માથામાં જોરદાર ઘા કર્યો હતો.

ગુરૂ બસંત સાહુ ઢળી પડ્યા બાદ રૌનકે ત્યાંથી એક દીવો લીધો હતો અને બસંતના માથામાંથી વહી રહેલું લોહી તે દીવામાં ભરીને નિર્દયતાથી પી ગયો હતો. હત્યાની આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં સનસની ફેલાઈ ગઈ છે. પોલીસે હત્યારા રૌનકને સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *