October 31, 2024

સુરત પાલિકાનું બજેટઃ સર્વાંગી વિકાસનું વચન, 307 કરોડનો વેરાવધારો

  • મ્યુનિ. કમિ. અગ્રવાલે 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુંઃ 3519 કરોડના કેપિટલ કામોનું આયોજન, સુરતના ઈતિહાસમાં હાઈએસ્ટ
  • નવસમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસના કામો વધુ થશેઃ વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા પ્રયાસ કરાશેઃ સરપ્લસ એટલે કે પુરાંતવાળું બજેટ

સુરતના મ્યુનિ. કમિ. શાલિની અગ્રવાલે આજે રૂ. 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટમાં સર્વાંગી વિકાસનું લક્ષ્ય રખાયું છે, અલબત્ત શહેરીજનો ઉપર રૂ. 307 કરોડનો વેરાવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટને પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાશે અને તેમાં કેટલાક ફેરફારોને અવકાશ રહેશે. એવી આશા છે કે વેરાવધારાના ડામ ઉપર પાલિકાનો શાસકપક્ષ થોડો મલમ લગાવી લોકોના રોષને ખાળવાનો પ્રયાસ કરશે.

અગ્રવાલે બજેટની હાઈલાઈટ્સમાં જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. સુરત શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કેપિટલ કામો એટલે કે વિકાસના કામો પાછળ 3519 કરોડનો એટલે કે હાઈએસ્ટ ખર્ચ કરાશે. રેવન્યુ આવકનો 4540 કરોડ અને રેવન્યુ ખર્ચનો 4188 કરોડનો અંદાજ છે, એટલે કે 352 કરોડ સરપ્લસ રહેશે. આમ બજેટની 352 કરોડની પુરાંત આગલા વર્ષોના વિકાસના કામોમાં ખર્ચ કરી શકાશે

બજેટમાં રહેણાંક મિલકતોના વેરામાં પ્રતિ ચો.મી. રૂ. 4નો જ્યારે બિન રહેણાંક મિલકતોના વેરામાં પ્રતિ ચો.મી. રૂ. 10નો વધારો કરાયો છે. આ ઉપરાંત યુઝર ચાર્જીસ અને વોટર મીટર ચાર્જીસના હેડ હેઠળ પણ વધારો કરાયો છે, જેને પગલે શહેરીજનો ઉપર રૂ. 307 કરોડના વેરાવધારાનું ભારણ આવશે. શહેરીજનોને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાનું વચન બજેટમાં છે. સાથે જ પાલિકાના નવા મુખ્ય વહિવટી ભવન માટે રૂ. 200 કરોડ, ડુમસ સીફેસના વિકાસ માટે રૂ. 112 કરોડ, તાપી શુદ્ધિકરણ માટે રૂ. 600 કરોડ, રિજીયોનલ સાયન્સ એન્ડ કીડ્ઝ સીટી સેન્ટર માટે રૂ. 100 કરોડ જ્યારે બેરેજ પ્રોજેક્ટ માટે રૂ. 75 કરોડનું આયોજન છે.

વેરાવધારા ઉપરાંત નવી આવક માટે પાલિકા રૂ. 100 કરોડના બોન્ડ બહાર પાડશે. ખર્ચ ઘટાડવા માટે પીપીપી ધોરણને પ્રાધાન્ય આપશે. નવા સમાવાયેલા વિસ્તારોમાં વિકાસના કામો વધુ કરવાનું આયોજન નવા બજેટમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *