મિત્રો સાથે સંતાકુકડી રમતાં રમતાં કિશોર 3700 કિ.મી. પરદેશ પહોંચી ગયો!
- બાંગ્લાદેશના બંદરે એક જહાજના કન્ટેનરમાં છૂપાયો અને ઊંઘ લાગી ગઈ, 6 દિવસે મલેશિયા પહોંચ્યો
- મલેશિયા પોર્ટ ઓથોરિટી કિશોરને જોઈ ચોંકી ઉઠીઃ ભૂખ-તરસથી બેહોંશ જેવી હાલત પરંતુ હવે હેમખેમ
વાત વિચિત્ર લાગે પરંતુ સત્યઘટના છે. બાંગ્લાદેશમાં પોતાના મિત્રો સાથે સંતાકુકડી રમી રહેલો કિશોર 3700 કિ.મી. દૂર છેક બીજા દેશમાં પહોંચી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. જહાજના બંધ કન્ટેનરમાં તે છૂપાયો હતો અને મલેશિયા પહોંચ્યા બાદ ત્યાંની પોર્ટ ઓથોરિટીએ તેને હેમખેમ ઉગારી લીધો છે.
બાંગ્લાદેશના ચટગાંવ બંદર નજીક રહેતાં કેટલાક કિશોરો તા. 11મીના રોજ દરિયાકિનારે સંતાકુકડી રમી રહ્યાં હતાં. દરમિયાન 15 વર્ષીય ફહીમ નજીકમાં મુકાયેલા એક કન્ટેનરમાં છૂપાયો હતો અને તેણે કન્ટેનર પણ બંધ કરી દીધું હતું. ફહીમને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયો હતો. ફહીમ મોડી રાત્રી સુધી ઘરે પરત નહીં ફરતાં તેના પરિવારજનો તેને શોધવા નીકળ્યા હતાં અને પોલીસ તેમજ પોર્ટ ઓથોરિટીને જાણ કરાતાં ફહીમની શોધખોળ હાથ ધરાઈ હતી.
બીજી તરફ કન્ટેનરને જહાજમાં ચઢાવી દેવાયું હતું અને બાંગ્લાદેશથી નીકળેલું આ જહાજ તા. 17મીના રોજ મલેશિયા પહોંચ્યું હતું. મલેશિયાની પોર્ટ ઓથોરિટીએ જ્યારે કન્ટેનર ખોલ્યા ત્યારે ફહીમ અર્ધબેભાન જેવી હાલતમાં મળી આવ્યો હતો. ઓથોરિટીને પહેલા તો આ મામલો માનવ તસ્કરીનો લાગ્યો હતો, પરંતુ ફહીમની પૂછપરછ બાદ સૌ ચોંકી ઉઠ્યાં હતાં.
ખુશીની વાત એ રહી કે ફહીમ બંધ કન્ટેનરમાં પાણી-ખોરાક વિના 6 દિવસ સુધી હેમખેમ રહ્યો. મલેશિયન સરકારે ફહીમને હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર શરૂ કરી છે અને બાંગ્લાદેશની ચટગાંવ પોર્ટ ઓથોરિટીને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી છે.