MPમાં યુદ્ધાભ્યાસ દરમિયાન ભારતીય વાયુસેનાના બે વિમાનો ક્રેશ
- મુરૈના જિલ્લાની ઘટના, બંને યુદ્ધવિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, ત્રણ પૈકી બે પાયલટ્સ સુરક્ષિત
- રિટર્ન ફ્લાઈટમાં દુર્ઘટના, પાયલટ્સે સળગતા વિમાનને રહેણાંક વિસ્તારોથી દૂર રાખ્યા, રાજસ્થાનમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
ભારતીય વાયુસેનાના બે યુદ્ધવિમાનો શનિવારની વહેલી સવારે યુદ્ધાભ્યાસ દરમિયાન ક્રેશ થઈ ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. ફાઈટર જેટના ત્રણ પૈકીના બે પાયલટ્સ સુરક્ષિત છે, જ્યારે એકને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હોવાની માહિતી સાંપડી છે. બપોર સુધી રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત ઈન્ડિયન એરફોર્સના એરબેઝથી આજે બે યુદ્ધવિમાનોએ ઉડાન ભરી હતી. જેમાં એક સુખોઈ-30 અને બીજું મિરાજ-2000 હતું. સવારે 5.30 વાગ્યાના અરસામાં આ બંને વિમાનો અભ્યાસ કરી એરબેઝ ઉપર પરત ફરી રહ્યાં હતાં ત્યારે ગોઝારો અકસ્માત નડ્યો હતો અને બંને વિમાનો આગના ગોળામાં લપેટાઈને તૂટી પડ્યાં હતાં. બંને વિમાનો મુરૈના જિલ્લાના કોલારસ નજીક ક્રેશ થઈ ગયા હતાં.
એવી વિગતો પણ સાંપડી રહી છે કે બંને વિમાનોમાં ત્રણ પાયલટ્સ હતાં, જે પૈકી બે સુરક્ષિત છે અને એક ઈજાગ્રસ્ત થયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વિમાનો ક્રેશ થવાની તૈયારીમાં હતાં ત્યારે પાયલટ્સ વિમાનોને કૈલાસર અને પહાડગઢના રહેણાંક કસ્બા વિસ્તારથી દૂર પહાડગઢના વિકાસખંડના જંગલ તરફ દોરી ગયા હતાં, જેથી સામાન્ય લોકોને બચાવી શકાય.
ઘટના અંગે રક્ષામંત્રી રાજનાથસિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સહિતના લોકોએ આઘાત વ્યક્ત કર્યો છે. દુર્ઘટના બંને વિમાનોની ટક્કરથી થઈ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું તે અંગે તપાસ તેમજ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ અપાયા છે. સાંજ સુધી બચાવ-રાહત કામગીરી ચાલુ રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે ભારતે જ્યારે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં 2019 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરી હતી ત્યારે ભારતીય વાયુસેનાના મિરાજ-2000 યુદ્ધવિમાનોએ જ આતંકી કેમ્પો ઉડાવ્યા હતાં.
અન્ય એક સમાચાર રાજસ્થાનથી આવ્યા છે. જ્યાં ઉત્તરપ્રદેશના આગ્રા એરપોર્ટથી રવાના થયેલું એક ચાર્ટર્ડ પ્લેન રાજસ્થાન સ્થિત ભરતપુરના ઉચ્છૈન ક્ષેત્રમાં તૂટી પડ્યું હતું. જ્યાં પણ રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.