મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મહારક્તદાન અને ચશ્મા શિબિરનું આયોજન
- તા. 26મીએ યોજાનારા કેમ્પમાં 2500 યુનિટ બ્લડ એકત્ર કરવા તૈયારી
- ફ્રી ફોર પુઅર ચેરિટેબલ ટ્રસ્ટના સેવાકાર્યમાં અનેક સંસ્થાઓ જોડાશે
સુરત શહેરના કેટલાક મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મહારક્તદાન શિબિર તેમજ ફ્રી ચશ્મા શિબિરના આયોજનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ફ્રી ફોર પુઅર ચેરિટેબલ ટ્રસ્ટ મુજબ તા. 26મી ફેબ્રુઆરીના રોજ સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી હોડી બંગલા ગુજરાતી સ્કૂલ પાસે, નિશાર ઓટો ગેરેજની બાજુમાં આ શિબિર યોજાશે. જેમાં 2500 યુનિટ બ્લડ એકત્ર કરવાની તૈયારી કરાઈ છે. આ સાથે જ ચશ્મા શિબિરનું પણ આયોજન છે અને આંખોની તપાસ કરવા સાથે દર્દીને મફત ચશ્માનું વિતરણ કરાશે.
સંસ્થા સાથે સંકળાયેલા સાજીદ જમાદાર, સલીમ ઘડિયાળી, સમદ મુનશી, સીરાજ સૈયદ, હાજી ચાંદીવાલા, સાજીદ શેખ સહિતના અગ્રણીઓ આ શિબિરને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. ગઈકાલે આ સંદર્ભમાં મુગલીસરા મરજાનશામી હોલ ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં શહેરની અન્ય સેવાકીય સંસ્થાઓને પણ સેવાકાર્યમાં જોડાવા માટે આમંત્રણ અપાયું હતું. સલીમ ઘડિયાળીના જણાવ્યા મુજબ વેડરોડની નવજીવન માનવ સેવા ટ્રસ્ટ, સર્વ સમાજ સંગઠન, જિનીયસ ગ્રુપ, મરકઝી જમિયત, જમીઅત ઉલેમાએ હિંદ, ઈકરા ચેરિટેબલ ટ્રસ્ટ સહિત 40થી વધુ સંસ્થાઓએ પણ શિબિરને સફળ બનાવવા માટે સેવાકાર્ય કરવા તૈયારી બતાવી છે.
સમદ મુનશીએ જણાવ્યું છે કે છેલ્લા ઘણાં દિવસોથી તમામ હોદ્દેદારો મહાશિબિરને સફળ બનાવવા માટે દોડી રહ્યાં છે. રક્તદાન ઉપરાંત ચશ્મા શિબિરમાં કોઈપણ ધર્મ, ન્યાત-જાતના ભેદ વિના તમામને લાભ લેવા વિનંતી છે.