પતંગ બજાર જોરદાર તેજીના આકાશે, મંદી-મોંઘવારીનો પવન પડી ગયો
- પતંગના ભાવોમાં સાતેક ટકા જેટલો વધારો, છતાં વેચાણ વધ્યું, સુરતીઓ ધૂમ મચાવવાના મૂડમાં
- માત્ર ખંભાતી પતંગનો ધંધો કરતાં મજીદચાચા કહે છે, લોકો ક્વોલિટીવાળા પતંગ માંગે છે અને અમે આપીએ છીએ
સુરતીઓના માનીતા પર્વ ઉત્તરાયણ એટલે કે ઉતરાણને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે પતંગ બજાર જોરદાર તેજીના આકાશે ચઢી ગયું છે. પતંગરસિયાઓ ખિસ્સા ભરીને પતંગોની ખરીદી કરવા બજારમાં ફરી રહ્યાં છે. ત્યારે એક નોંધપાત્ર વાત એવી જાણવા મળી છે કે બજારોમાં મુખ્યત્વે ખંભાતી પતંગોની જ વધુ ડિમાન્ડ છે અને લોકો વધુ પૈસા ખર્ચીને પણ ખંભાતી પતંગો ખરીદી રહ્યાં છે.
લાલદરવાજા ફ્લાયઓવર નીચે દરગાહ પાસે વર્ષોથી પતંગનો વ્યવસાય કરતાં અબ્દુલ મજીદ શેખ ઉર્ફે મજીદચાચાએ જણાવ્યું હતું કે પતંગ બજારમાં ખાસ્સી તેજી જોવા મળી રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે મંદી અને મોંઘવારી ઉતરાણને ફિક્કી પાડશે, પરંતુ છેલ્લા પાંચેક દિવસથી ધૂમ ખરીદી નીકળી છે. તેમણે કહ્યું કે અમે માત્ર ખંભાતી પતંગો જ વેચીએ છીએ. સ્થાનિક કે અન્ય ક્ષેત્રોના પતંગો જેટલો જ ભાવ અથવા નહીંવત્ વધુ ભાવ ખંભાતી પતંગનો રહે છે. પરંતુ તેની ક્વોલિટી શાનદાર હોય છે, બનાવટ બેલેન્સિંગવાળી હોય છે. જેથી નાનકડા બાળકો પણ જો આ પતંગ ચગાવે તો તે આકાશમાં સ્થિર રહે છે અને પેચ કાપવા સહિતની મજા ખંભાતી પતંગની અલગ જ હોય છે.
મજીદચાચાએ કહ્યું કે ગત વર્ષ કરતાં પતંગના ભાવોમાં સાતેક ટકા જેટલો વધારો છે. પરંતુ આ વખતનો સુરતીઓનો મૂડ કંઈક ઓર લાગે છે. ભાવોની ચિંતા કર્યા વિના પતંગરસિયાઓ સારા પતંગો ધૂમ ખરીદી રહ્યાં છે. જેના પરથી લાગી રહ્યું છે કે આ વર્ષની ઉતરાણ સુરતમાં રંગ જમાવશે.
અત્રે નોંધનીય છે કે છેલ્લા ત્રણેક વર્ષથી કોરોના તેમજ મંદી-મોંઘવારીના પરિબળો વચ્ચે પતંગ-દોરીનું બજાર ફિક્કું રહ્યું હતું પરંતુ આ વર્ષે તેજીનો પવનો ફૂંકાયો છે. ઉતરાણના દિવસે આકાશમાં પણ માપસરનો પવન રહેશે તો સુરતની ઉતરાણ ધૂમ મચાવશે, તે વાતમાં કોઈ બેમત નથી.