માનદરવાજાના જર્જરિત ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટની માંગણી સાથે રહીશોનું પાલિકાને આવેદન
- જર્જરિત એ ટેનામેન્ટની હાલત ભયાનક, બી અને સી ટેનામેન્ટના રહીશો પણ ભયમાં
- 2017 અને 2022માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવા છતાં પાલિકાનું અકળ મૌન
- દુકાનધારકોએ કાયદાકીય મેટર બનાવતાં વિલંબ, રહીશોના જાનમાલ માટે ભયજનક
સુરતના માનદરવાજા સ્થિત વર્ષો જુના એ, બી અને સી ટેનામેન્ટના રિડેવલપમેન્ટની માંગણી સાથે આજે રહીશોએ સુરત મહાનગરપાલિકા ખાતે મોરચો માંડ્યો હતો. અલબત્ત અગાઉની જેમ જ પાલિકા દ્વારા તેમને હૈયાધરપત આપી રવાના કરાયા હતાં. જે અંગે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી રહીશો રિ-ડેવલપમેન્ટની માંગણી કરી રહ્યાં છે અને જર્જરિત ઈમારતો ધસી પડે તો રહીશોના જાનમાલની જવાબદારી પાલિકાની રહેશે.
શહેરના માનદરવાજા ખાતે પાલિકા દ્વારા અગાઉ ટેનામેન્ટ બનાવાયા હતાં, જેમાં એ, બી અને સી બ્લોક્સમાં અંદાજે 1300 જેટલા પરિવારો રહેતાં આવ્યા છે. અલબત્ત કાળક્રમે આ તમામ આવાસો જર્જરિત થયા છે. એ ટેનામેન્ટની હાલત તો એવી છે કે થોડા સમય પૂર્વે જ પાલિકાના લિંબાયત ઝોન દ્વારા ભયજનક જાહેર કરવા સાથે તેમાં રહેતાં પરિવારોને ઘરો છોડવા મજબૂર કર્યાં હતાં. અલબત્ત હવે બી અને સી ટેનામેન્ટની હાલત પણ સતત કથળી રહી છે અને તેમાં વસવાટ કરવો ભયજનક બની રહ્યો છે.
દરમિયાન આજે કોંગ્રેસી અગ્રણી અસલમ સાયકલવાલાની આગેવાનીમાં માન દરવાજા ટેનામેન્ટના રહીશોએ સુરત મહાનગરપાલિકા ખાતે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં જણાવાયું છે કે 2017માં પાલિકા દ્વારા રિ-ડેવલપમેન્ટ માટે સંમતિ આપવામાં આવી હતી. જો કે ત્યારબાદ આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનધારકોએ હાઈકોર્ટમાં કાયદાકીય મેટર ઉભી કરતાં રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઘોંચમાં પડી હતી. ટેનામેન્ટનમાં બહુમતિ રહીશોની મંજૂરી હોવા છતાં પણ રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા વિલંબાતી હોય તે આશ્ચર્યજનક છે.
દરમિયાન ગત વર્ષે એટલે કે 2022માં પણ પાલિકા દ્વારા રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા આગળ વધારી ટેન્ડરિંગ શરૂ કરી દેવાયું હતું. જો કે કોઈ કારણોસર આ પ્રક્રિયા પણ અટકી પડી છે. સાયકલવાલાએ જણાવ્યું હતું કે પાલિકાની રિ-ડેવલપમેન્ટની વહિવટી પ્રક્રિયા ખૂબ જ જટિલ છે અને ટેનામેન્ટના ફ્લેટધારકો માટે તે સમજવું અઘરૂં છે. એ ટેનામેન્ટના 320 જેટલા ફ્લેટધારકો તો પોતાના ઘરો છોડીને હાલમાં બીજા સ્થળે વસવા મજબૂર છે. તો બી અને સી ટેનામેન્ટના ફ્લેટધારકો પણ જર્જરિત મકાનોમાં ભયાવહ સ્થિતિમાં રહે છે.
જેથી સુરત મહાનગરપાલિકા વહેલી તકે માનદરવાજા ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટ માટેનો નિર્ણય લે અને રહીશોના માથે ઝળુંબી રહેલો ખતરો ટાળે તે ઈચ્છનીય છે. અન્યથા કોઈ દુર્ઘટના સર્જાય તો રહીશોના જાન-માલની જવાબદારી પાલિકાની રહેશે તેવી ચીમકી અસલમ સાયકલવાલાએ આપી છે.