October 31, 2024

સુરતમાં જૈનોની પ્રભાવક રેલીઃ ટાસ્ક ફોર્સ રચવા સરકારનું સાંત્વન

  • પવિત્ર શેત્રુંજય તીર્થમાં અસામાજિક તત્વોની કનડગત તેમજ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવાનો વિરોધ
  • સુરતમાં 3 કિ.મી. લાંબી રેલીમાં 1 લાખથી વધુ જૈનો જોડાયા, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ઝારખંડ સ્થિત જૈનોના પવિત્ર તીર્થસ્થળ સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધ ઉપરાંત પાલિતાણાના પવિત્ર શેત્રુંજય તીર્થ ખાતે અસામાજિક તત્વોની વધી રહેલી કનડકતનો વિરોધ દેશભરનો જૈન સમાજ કરી રહ્યો છે. સુરત શહેરમાં આજે સવારે આ બંને પ્રશ્નો મુદ્દે એક રેલીનું આયોજન જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીમાં અંદાજ કરતાં વધુ એટલે કે 1 લાખ કરતાં વધુ જૈન સમાજના લોકો શિસ્તબદ્ધ રીતે જોડાયા હતાં અને 3 કિ.મી. જેટલી લાંબી શાંતિપૂર્ણ વિરોધ રેલી બાદ કલેક્ટરને બંને પ્રશ્ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાતમાં નવી સરકારમાં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી જૈન સમાજના જ છે, ત્યારે હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં જૈનોની પ્રભાવક રેલીના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. સવારે રેલી બાદ રાજ્ય સરકાર તુરંત જ એક્શનમાં આવી હતી અને મિટિંગોનો દૌર શરૂ થયો હતો. સાંજે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં સાંત્વના આપી હતી કે શેત્રુંજય તીર્થમાં કેટલાક પ્રશ્નો છે અને તેના સમાધાન માટે મુખ્યમંત્રીના આદેશથી સ્પેશ્યલ ટાસ્ટ ફોર્સ (STF) રચવાનું નક્કી કરાયું છે. આવતીકાલથી જ આ ટાસ્ક ફોર્સ કાર્યરત થશે અને તેમાં દરેક વિભાગના અધિકારીઓને સમાવાશે, જેથી એક જ મિટિંગમાં તમામ નિર્ણયો ઝડપથી લઈ શકાય.

વધુમાં સંઘવીએ જણાવ્યું કે પાલિતાણાના શેત્રુંજય પર્વત ઉપર અસામાજિક તત્વો દ્વારા જે તોડફોડ કરાઈ હતી તે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા પાલિતાણામાં શેત્રુંજય ડુંગર ચોકી ઉભી કરાશે. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ, 5 કોન્સ્ટેબલ, 8 મહિલા પોલીસ અને 8 ટીઆરબી જવાનોને તહેનાત કરાશે. ચોકીનું સુપરવિઝન ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે. ઉપરાંત જૈન યાત્રીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવાની તેમણે ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *