વિશ્વભરમાં થર્ટી ફર્સ્ટની મહેફિલો, ગુજરાતના શોખીનો માટે થર્સ્ટિ ફર્સ્ટ
- સમૃદ્ધ ગુજરાતી શોખીનો દીવ-દમણ અને પડોશી રાજ્યોની ખાનગી-સરકારી તિજોરીઓ છલકાવવા પહોંચી ગયા
- સામાન્ય વર્ગના શોખીનો માટે થર્ટી નહીં પરંતુ થર્સ્ટિ જેવી હાલત, સ્ટોક રાખ્યો હશે તેઓ જલસા કરશે
- વિદેશીનો મોહ છોડો, થોડું સમાધાન કરો, દેશીના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે, ચીયર્સ…
આવું તો લખવાનું પણ વિચિત્ર, અઘરૂં અને આકરૂં લાગે છે, છતાં લખવું પડે છે. ઈસુના વર્ષ 2022નો આજે અંતિમ દિવસ છે અને વિશ્વભરમાં 31મી ડિસેમ્બરને વિદાય આપવા અને 2023ના નૂતન વર્ષના વધામણાં કરવા લોકો થનગની રહ્યાં છે. ખાસ કરીને શરાબના શોખીનો માટે થર્ટી ફર્સ્ટ ખૂબ મહત્વનો દિવસ છે. નશામાં ઝૂમતાં ઝૂમતાં જૂના વર્ષના કપરા સમયને ભૂલવા તેમજ નવા વર્ષના સુવર્ણ સ્વપ્નોને વધાવવા પાર્ટીઓ, મહેફિલો કરતાં હોય છે. જો કે આપણાં દેશની વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી હોવાથી આપણાં રાજ્યના શોખીનો માટે આ થર્ટી ફર્સ્ટ નહીં પરંતુ થર્સ્ટિ ફર્સ્ટ એટલે કે તરસ્યા રહી જવાનો દિવસ કહેવો અતિશયોક્તિ નથી.
દારૂબંધી હોવાથી સરકાર અને પોલીસ વિભાગ છેલ્લા ઘણાં દિવસોથી સતર્ક થયા છે. દમણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યો કે પ્રદેશોમાંથી રાજ્યમાં પ્રવેશતા માર્ગો ઉપર આકરૂં ચેકિંગ એટલે કે ભારે દબાણ ઉભું કરી દેવાયું છે. વિદેશી બનાવટની દારૂની એક બોટલ પણ ન પ્રવેશે તેવો ચુસ્ત બંદોબસ્ત છેલ્લા કેટલાક દિવસોથી ગોઠવી દેવાયો છે. ટૂંકમાં અગાઉથી તૈયારી નહીં કરનારા શોખીનોમાં દારૂ માટે બૂમરાણ મચી ગઈ છે. જેમણે અગાઉથી સ્ટોક કર્યો હશે તેઓ પાર્ટી, મહેફિલ કે જલસા કરી શકશે. પરંતુ પ્રિ-પ્લાનિંગ નહીં કરનારા શોખીનો માટે આજનો દિવસ થર્સ્ટિ ફર્સ્ટ બનવાનો પાકું છે.
સમૃદ્ધ ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટની આ સ્થિતિથી વાકેફ હોય છે અને તેઓ થર્સ્ટિ રહેવા માંગતાં હોતાં નથી. જેથી રાજ્યના હજારો સમૃદ્ધ ગુજરાતી શોખીનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજ્ય છોડી ચુક્યા છે. દીવ-દમણ, સેલવાસ, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે મધ્યપ્રદેશ જેવા પડોશી પ્રદેશોમાં કે રાજ્યોમાં સમૃદ્ધ ગુજરાતીઓ થર્ટી ફર્સ્ટની શાનદાર ઉજવણી કરશે. લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થર્ટી ફર્સ્ટની મહેફિલો માટે થવાનો છે. જેથી સમૃદ્ધ ગુજરાતીઓના રૂપિયાથી પડોશી પ્રદેશો કે રાજ્યોની ખાનગી અને સરકારી તિજોરીઓ છલકાઈ ઉઠશે.
ખરેખર જે લખવાની અઘરી લાગી રહી છે તે વાત દેશી દારૂના અડ્ડાઓની છે. સરકારે અને પોલીસે જાણે એવું સૂત્ર અપનાવ્યું હોય કે વિદેશીનો મોહ છોડો, દેશી અપનાવો તે રીતે દેશી દારૂના અડ્ડાઓ બિન્દાસ્ત ધમધમી રહ્યાં છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે શોખીનો જો થોડું સમાધાન કરવા તૈયાર હોય, વિદેશી છોડીને દેશી સાથે ચીયર્સ કરી શકતા હોય, તો કદાચ પોલીસને એટલો વાંધો નહીં હોય, એવું લાગી રહ્યું છે. કારણકે ચોતરફ વિદેશી દારૂને ઝડપી પાડવાના ભારે દબાણ વચ્ચે પણ દેશી દારૂના અડ્ડાઓ ઉપર બિન્દાસ્ત ચહલપહલ જોવા મળી રહી છે.