દિલ્હીમાં રાહુલ ગાંધીની સુરક્ષા અધ્ધરતાલ હતીઃ કોંગ્રેસનો ગંભીર આરોપ
- અમિત શાહને કોંગ્રેસનો પત્ર, ભારત જોડો યાત્રા દરમિયાન અનેક વખત રાહુલ ગાંધીની સુરક્ષામાં ક્ષતિ હોવાનો આક્ષેપ
- રાહુલને Z+ સુરક્ષા, છતાં ટોળાને કાબુ કરવા કે રાહુલ ફરતે સુરક્ષા ઘેરો મજબૂત કરવામાં દિલ્હી પોલીસ નિષ્ફળ રહી હતી
ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી દિલ્હી પહોંચ્યા ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત થયું હતું અને તેમને જોવા-મળવા હજારો લોકો ઉમટી પડ્યાં હતાં. અલબત્ત આજે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે આ ઘટનાક્રમ દરમિયાન દિલ્હી પોલીસ રાહુલ ગાંધીને યોગ્ય સુરક્ષા આપવામા નિષ્ફળ રહી હતી અને આવા ગંભીર આક્ષેપ સાથેનો એક પત્ર કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો છે.
કોંગ્રેસે પોતાના આરોપમાં કહ્યું છે કે તા. 24મી ડિસેમ્બરે જ્યારે ભારત જોડો યાત્રા દિલ્હીમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષામાં અનેક ચૂક દેખાવી શરૂ થઈ હતી. રાહુલ ગાંધીને Z+ સુરક્ષા મળી છે, છતાં પણ તેમની સુરક્ષા અધ્ધરતાલ જેવી જણાઈ રહી હતી. પોલીસ લોકોના ટોળાને કાબુમાં રાખવામાં સદંતર નિષ્ફળ રહી હતી. એટલું જ નહીં, રાહુલ ગાંધીને ચારે તરફથી સુરક્ષા કવચ મળવું જોઈએ, તે પણ અપાયું ન હતું.
ઘણી વખત સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે રાહુલ ગાંધીને સુરક્ષા આપવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમજ યાત્રામાં સામેલ યાત્રિકોએ રાહુલ ગાંધીની ફરતે સુરક્ષા કવચ બનાવવું પડ્યું હતું. કોંગ્રેસે વધુમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે યાત્રામાં જે લોકો રાહુલ ગાંધીને મળવા આવે છે તેમને ઈન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા ધમકાવવામાં આવી રહ્યાં છે, તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.
વેણુગોપાલે ગૃહમંત્રી અમિત શાહને પત્રમાં લખ્યું છે કે કોંગ્રેસે પોતાના બે મહાન નેતાઓ ગુમાવ્યા છે, જેથી રાહુલ ગાંધીની સુરક્ષા મુદ્દે કોઈ રાજકારણ રમાવું જોઈએ નહીં.