October 31, 2024

વધુ એક મિસ્ટ્રીઃ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનું મોત, આત્મહત્યા કે હત્યા?

  • મુંબઈ વસઈના સ્ટુડિયોમાં સિરિયલના શુટિંગ સેટ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા બાદ મોત
  • કો-એક્ટર શીઝાન ખાને તુનિષાને આત્મહત્યા માટે પ્રેરિત કરી હોવાનો તુનિષાની માતાનો આરોપ

ટીવી એક્ટિંગ સેલિબ્રિટીઝમાં આજે વધુ એક આંચકો આપનારી ઘટના બની છે અને એક્ટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યા તેમજ ત્યારબાદ સર્જાઈ રહેલાં સંજોગોએ રહસ્ય ઉભા કર્યાં છે. હકીકતમાં ટીવીની પ્રસિદ્ધ એક્ટ્રેસ તુનિષા શર્માએ આજે મુંબઈના વસઈ સ્થિત એક શુટિંગ સ્ટુડિયોમાં ટીવી સિરિલયના સેટ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જો કે તેની માતાએ તુનિષાના કો-એક્ટર શીઝાન મોહંમદ ખાન ઉપર તુનિષાને આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાડ્યો છે.

ટીવી શો અલીબાબા દાસ્તાં એ કાબુલમાં શહજાદી મરિયમનો લીડિંગ રોલ કરનારી તેમજ કૈટરિના કૈફ, સલમાન ખાન જેવા ફિલ્મી દિગ્ગજો સાથે કામ કરનારી 20 વર્ષીય તુનિષા શર્મા આજે સ્ટુડિયોના સેટ ઉપરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી અને સારવાર પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં તો તુનિષાએ આત્મહત્યા કરી હોવાનું માની લેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ઉભા થયેલા સંજોગોએ અનેક પ્રશ્નો ઉભા કર્યાં છે.

જેમ કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તે પૂર્વે તુનિષાના શરીરને ઉતારી લેવામાં આવ્યું હતું. તુનિષાએ ઘટનાના પાંચેક કલાક પૂર્વે જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી જેના પરથી લાગતું નથી કે તે આત્મહત્યા જેવું પગલું ભરી શકે. તો બીજી તરફ તુનિષાની માતાએ એવો આરોપ લગાડ્યો છે કે તુનિષાના કો-એક્ટર શીઝાન મોહંમદ ખાન દ્વારા તુનિષા ઉપર દબાણ હતું અને તેનાથી તુનિષા આત્મહત્યા માટે પ્રેરાઈ છે.

તુનિષાની અણધારી એક્ઝિટથી સમગ્ર ટીવી અને ફિલ્મ આલમમાં આઘાત છે, તુનિષાના ચાહકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. જો કે તુનિષાની માતાની ફરિયાદ બાદ પોલીસે આત્મહત્યા અને હત્યા, આ બંને દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *