November 27, 2024

સુરતમાં ઠંડીના સૂસવાટા શરૂ, ન્યૂનતમ તાપમાન ગગડીને 15.4 ડિગ્રી

  • ખાસ્સા વિલંબ બાદ છેવટે શિયાળાની જમાવટ, ઠંડી હજુ વધવાનાં અણસાર
  • મહત્તમ તાપમાન પણ 27.2 ડિગ્રી જેટલું નીચું રહેતાં લોકો દિવસેય સ્વેટરમાં દેખાયા

સુરત શહેરમાં ખાસ્સા વિલંબ બાદ શિયાળાની જમાવટ થઈ રહી છે. તા. 23મીની રાત્રે લઘુત્તમ તાપમાન 15.4 ડિગ્રી સુધી નીચે ઉતરી જતાં લોકોએ આકરી ઠંડીનો અનુભવ કર્યો હતો. તો બીજી તરફ તા. 24મીના દિવસના સમયે પણ મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી સુધી સીમિત રહેતાં ભરતડકે ઠંડીનો અનુભવ થયો હતો અને લોકો સ્વેટરમાં દેખાયા હતાં.

ગ્લોબલ વોર્મિંગ કે પછી અન્ય કારણોસર ઋતુચક્રમાં અનેક ફેરફારો અનુભવાઈ રહ્યાં છે. સામાન્ય રીતે ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો જામી ચુક્યો હોય છે, પરંતુ ચાલુ વર્ષે છેક અંત સુધી ઠંડી છેટી રહી હતી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અનેક સ્થળોએ માવઠા થયા હતાં. જેથી વાતાવરણમાં ભેજ રહ્યો હતો અને બફારો વર્તાતો રહ્યો હતો.

અલબત્ત હવે એવું લાગી રહ્યું છે કે ઉત્તરીય ઠંડા પવનો એટલે કે શીતલહેર જેવા પવનોને માર્ગ મળ્યો છે અને દક્ષિણ તરફ આગળ વધતાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો છે. શહેરમાં 24 કલાક દરમિયાન ઉત્તર તરફથી 7થી 10 કિ.મી.ની સરેરાશના ઠંડા પવનો નોંધાયા હતાં અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 36 ટકા થઈ ગયું હતું. જેને પગલે ઠંડીનું જોર વધ્યું છે અને વાતાવરણીય સ્થિતિ જોતાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો