10 ફૂટ લાંબી સુરંગ ખોદી સ્ટેટ બેન્કમાંથી રૂ. 1 કરોડના સોનાની ચોરી
- ઉત્તર પ્રદેશના કાનપુરની ઘટના, પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
- અલાર્મ સિસ્ટમ બંધ કરી, સીસીટીવી કેમેરા ફેરવી નાંખ્યા અને ગેસ કટરથી તિજોરી તોડી
- 29 ગ્રાહકોએ લોન લેવા માટે ગીરવે મુકેલું સોનું ગયું
યુપીના કાનપુરમાં એક દિલધડક ચોરીની ઘટના બની છે, જેમાં ચોરટાઓએ સ્ટેટ બેન્કના વોલ્ટમાંથી રૂ. 1 કરોડના સોનાની ચોરી સુરંગ વાટે કરી છે. સ્ટેટ બેન્કની ભાનુતી શાખામાં ગુરૂવારની રાત્રી દરમિયાન આ ચોરીની ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું છે. બેન્કની બાજુમાં સ્થિત ખુલ્લી જગ્યામાંથી ચોરટાઓએ 10 ફૂટ લાંબી અને ચાર ફૂટ પહોળી સુરંગ બેન્કના વોલ્ટ સુધી બનાવી આ કૃત્ય આચર્યું છે.
ચોરીની ઘટના બાદ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતાં અને ડોગ સ્ક્વોડના આધારે ચોરટાઓનું પગેરૂં શોધવા સાથે એક્સ્પર્ટ્સને તપાસના કામે લગાડ્યા હતાં. પોલીસે એવું જણાવ્યું છે કે ચોરટાઓએ સુરંગ ખોદ્યા બાદ વોલ્ટમાં પહોંચી સૌપ્રથમ સીસીટીવી કેમેરા ફેરવી નાંખ્યા હતાં અને અલાર્મ સિસ્ટમ બંધ કરી દીધી હતી. ત્યારબાદ ગેસ કટરથી તિજોરી તોડી લોખંડની પેટીમાં મુકેલું 1.8 કિલો અંદાજે રૂ. 1 કરોડનું સોનું ચોરી નાસી છૂટ્યા હતાં. આ સોનું લોન લેનારા ગ્રાહકોનું હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ મુજબ તપાસમાં ચોરટાઓના કેટલાક ફિંગર પ્રિન્ટ્સ મળ્યા છે. સાથે જ ચોરીની આ ઘટનામાં બેન્કના જ કોઈ કર્મચારી કે અધિકારીની મિલીભગત હોય તેવું પ્રાથમિક તબક્કે પોલીસને લાગી રહ્યું છે. ચોરો બેન્કના અંદરના બાંધકામ ઉપરાંત સ્ટ્રોંગરૂમ તેમજ સોનાની તિજોરીથી પરિચિત હોય અને તેમણે ચોરી કરતાં પહેલાં રેકી કરી હોય તેવું પોલીસનું માનવું છે.