EV સસ્તા થશે, બેન્કોને ઓછા વ્યાજદરે લોન આપવા ગડકરીની ટકોર
- પેટ્રોલ-ડીઝલના વાહનોને ક્રમશઃ બંધ કરી સ્વચ્છ ઉર્જા સંચાલિત વાહનોને પ્રોત્સાહન અપાશે
- પેટ્રોલ-ડીઝલ માટે ખર્ચ થનારી વિદેશી મુદ્રાની બચત કરવી દેશ માટે જરૂરી
- ઈલેક્ટ્રીક બસોમાં મુસાફરોની ટિકીટમાં 30 ટકા સુધી ઘટાડાના પણ સંકેત આપ્યા
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે પોતાના એક વક્તવ્ય દ્વારા બેન્કોને ટકોર કરી છે કે ઈલેક્ટ્રીક વાહનો માટે બેન્કોએ ઓછા દરે વ્યાજ આપવી જોઈએ, જેથી EVને પ્રોત્સાહન મળે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણમાં એક સહકારી બેન્કના સુવર્ણ જયંતિ સમારોહમાં તેમણે EV સંદર્ભે કેટલીક છણાવટ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે EV તેમજ સ્વચ્છ ઉર્જા સંચાલિત વાહનોને સરકાર પ્રોત્સાહન આપી રહી છે અને પેટ્રોલ-ડીઝલ જેવા પ્રદૂષણ ફેલાવતાં વાહનોને ક્રમશઃ માર્ગો પરથી હટાવવાનું તેમનું લક્ષ્ય છે. તેમણે ઉમેર્યું કે પેટ્રોલ-ડીઝલની ખરીદી પાછળ દેશની ખૂબ મોટી રકમની વિદેશી મુદ્રા ખર્ચ થઈ જાય છે. EV તેમજ હાઈડ્રોજન જેવી સ્વચ્છ ઉર્જા સંચાલિત વાહનોનો ઉપયોગ વધશે તો મોટી રકમની વિદેશી મુદ્રા બચાવી શકાશે.
તેમણે થોડા મહિનાઓ પૂર્વે એવો દાવો કર્યો હતો કે ઈલેક્ટ્રીક વાહનોની કિંમત અન્ય પેટ્રોલ-ડીઝલના વાહનો જેટલી જ થઈ જશે, અલબત્ત હજુ આ દાવો સફળ થયો નથી. પરંતુ તેમણે બેન્કોને એવું કહ્યું છે કે EV ઉપર ઓછા દરના વ્યાજે લોન આપવાથી ગ્રાહકો માટે EV સસ્તા થશે અને તેમને ખરીદી માટે પ્રોત્સાહન મળશે. તેમણે બસ જેવા સામૂહિક પરિવહન વાહનોને પણ પ્રોત્સાહન આપવા કહ્યું છે. ઈલેક્ટ્રીક બસો સરવાળે સસ્તી પડતી હોવાથી મુસાફરો માટે ટિકીટદર પણ 30 ટકા સુધી ઘટાડી શકાશે તેવો દાવો તેમણે કર્યો હતો.