CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના લોકોને માસ્ક પહેરવા અપીલ
- વેક્સિનેશન, ટેસ્ટિંગ સહિતની કામગીરી માટે આરોગ્ય તંત્ર હાઈએલર્ટ પર
- રાજ્યભરની હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ બનાવવા કામગીરી શરૂ
- વેન્ટિલેટરો સક્રિય કરાયા, ઓક્સિજન સપ્લાય અંગે પણ સતર્કતા
ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસ વધવા સાથે ભારતમાં પણ ભયનો માહોલ છવાયો છે. ભારતમાં 95 ટકા જેટલું રસીકરણ થઈ ચુક્યું છે અને રિકવરી રેટ પણ ઊંચો છે. છતાં પણ સરકારે સતર્કતા દાખવીને કોરોનાને રોકવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ હાઈલેવલ રિવ્યુ બેઠક યોજી હતી અને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી. તો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. ખાસ કરીને ભીડ ટાળવા તેમજ જાહેર કે બંધ સ્થળોએ માસ્ક પહેરવા તેમણે લોકોને વિનંતી કરી છે.
આ સાથે જ રાજ્યભરમાં આરોગ્ય તંત્રમાં પણ જોરદાર સળવળાટ જોવા મળ્યો છે. વેક્સિનેશનની કામગીરીને ફરીથી વેગ આપવામાં આવી રહ્યો છે અને સાથે જ ટેસ્ટિંગ, ટ્રેકિંગની ફોર્મ્યુલા પણ અમલી કરી દેવાઈ છે. ખાસ તો રાજ્યભરમાં પોઝિટિવ કેસોને જીનોમ સિક્વન્સિંગ માટે અમદાવાદ સિવિલ મોકલવાનું શરૂ કરાયું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ બનાવવા ઉપરાંત સંલગ્ન સુવિધાઓની સમીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વેન્ટિલેટરોને ફરી એક્ટિવ કરવા, ટેન્ક્સને મેઈન્ટેઈન કરી ઓક્સિજન સપ્લાય વધારવા, કોવિડને લગતી દવાઓ, ઈન્જેક્શનોનો સ્ટોક કરવા સહિતની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે.
સુરત સિવિલ હોસ્પિટલની વાત લઈએ તો અંદાજે 400 જેટલા વેન્ટિલેટરોને એક્ટિવ કરી દેવાયા છે. હોસ્પિટલમાં અંદાજે 900 જેટલા બેડ છે અને કોવિડ માટેનો અલાયદો વોર્ડ શરૂ થઈ રહ્યો છે. સાથે જ ઓક્સિજન ટેન્ક્સનું પણ યોગ્ય મેઈન્ટેનન્સ કરી દેવાયું છે.