ગૂગલ સર્ચમાં આ મહિલાએ મોદીને પાછળ છોડી દીધાં ગૂગલે જાહેર કર્યું 2022નું ટોપ રેંકિંગ
ગૂગલમાં સૌથી વધુ કરાતાં સર્ચ વિષેની રસપ્રદ માહિતીઃ ભારતના ટોપ પાંચ સર્ચ વ્યક્તિના નામો જાહેરઃ ચાલુ વર્ષેભારતમાં સૌથી વધુ સર્ચ IPL અને CoWIN માટે થયુંઃ સમાચારો, ફિલ્મો તેમજ વાનગીઓની સર્ચની માહિતી પણ ગૂગલે જાહેર કરી
ટેક્નોલોજી અને ખાસ કરીને ઈન્ટરનેટના જમાનામાં હવે સોશિયલ મીડિયાનું વર્ચસ્વ ખાસ્સું વધ્યું છે. જેમાં વેબની દુનિયામાં સૌથી લોકપ્રિય મનાતાં સર્ચ એન્જિન ગૂગલ દર વર્ષે તેમજ વખતોવખત કેટલીક ગતિવિધિઓની જાહેરાત કરે છે. હવે ગૂગલે 2022ના મુખ્ય સર્ચિસની રસપ્રદ વિગતો જાહેર કરી છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાછળ છોડીને એક મહિલા સૌથી વધુ સર્ચ થયાનું જાહેર કરાયું છે.
ગૂગલ મુજબ ભાજપના જ પૂર્વ મહિલા નેતા નુપૂર શર્માને અને તેમને સંલગ્ન માહિતીને ભારતીયોએ 2022ના વર્ષમાં સૌથી વધુ સર્ચ કર્યાં છે. આ સર્ચ મોદી વિષેની માહિતી કરતાં પણ વધુ થયું છે અને તે રીતે નુપૂર શર્માએ ગૂગલ સર્ચ એન્જિનમાં નરેન્દ્ર મોદીને પાછળ છોડી દીધાં છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિષે પણ ભારતીયોએ માહિતી સર્ચ કરી છે. ત્યારબાદના સૌથી વધુ સર્ચમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, લલિત મોદી અને સુષ્મિતા સેનના નામો ગૂગલે જાહેર કર્યાં છે.
આ ઉપરાંત ભારતીયોએ વર્ષ 2022માં ક્રિકેટ પ્રત્યે પણ પોતાની રૂચિ દર્શાવી છે. જેમાં ભારતીયોએ ખેલ સંદર્ભે સૌથી વધુ સર્ચ IPLને કર્યું છે. IPL ઉપરાંત તેને સંલગ્ન માહિતી, ખેલાડીઓ વિષેની માહિતી ભારતીયોએ પેટ ભરીને કરી છે. સાથે જ CoWIN એટલે કે કોરોનાને રોકવા માટે શરૂ કરાયેલી વેક્સિનના સંદર્ભમાં પણ ટોપ રેંકિંગમાં સર્ચ કરાયું છે. CoWIN વિષેની માહિતી ઉપરાંત વેક્સિન લેવાનો સમયગાળો, વેક્સિનેશનના સ્થળો વિગેરેના સર્ચમાં ભારતીયો ખાસ્સા આગળ રહ્યાં છે.
સમાચારોમાં ભારતીયોએ સૌથી વધુ સર્ચ સ્વર સામ્રાજ્ઞી ભારત રત્ન લતા મંગેશકર વિષે થયું છે. ત્યારબાદ સિદ્ધુ મૂસેવાલાની હત્યા, બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન તેમજ પૂર્વ ક્રિકેટર શેન વોર્નના મૃત્યુના સમાચારો પણ ગૂગલ સર્ચમાં ટોપ ઉપર રહ્યાં છે. ગૂગલ મુજબ લોકોએ રશિયા અને યુક્રેનના યુદ્ધ વિષે પણ ખાસ્સી માહિતી શોધી હતી. જ્યારે હર ઘર તિરંગા અભિયાન મુદ્દે પણ લોકોએ ખાસ્સો રસ દાખવ્યો હતો. ભારત સરકારની અગ્નિપથ યોજના વિષેની માહિતી પણ સર્ચમાં મહત્વપૂર્ણ સ્થાને રહી છે.
ફિલ્મોની વાત લઈએ તો બોલિવુડની બ્રહ્માસ્ત્ર અને KGF-2 આ બંને સર્ચમાં ટોપ ઉપર રહી છે. એટલું જ નહીં, આ બંને ફિલ્મોએ તો વિશ્વના ટોપ ટેન ફિલ્મોના સર્ચમાં પણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. ફિલ્મોના અન્ય સર્ચમાં કાશ્મીર ફાઈલ્સ, લાલ સિંહ ચઢ્ઢા, દૃષ્યમ-2, RRR, પુષ્પા ધી રાઈઝ (તેલુગુ), કાંતારા (કન્નડ), તમિલમાં વિક્રમ અને અંગ્રેજીમાં થોરઃ લવ એન્ડ થન્ડર, ભારતના ટોપ ટ્રેડિંગમાં રહી હતી.
મસાલેદાર અને ચટપટા ખાણી-પીણીના શોખિન ભારતીયોએ પોતાની મનગમતી વાનગીઓ પણ ખાસ્સી સર્ચ કરી હતી. ગૂગલ મુજબ ભારતીયોએ સૌથી વધુ સર્ચ પનીર પસંદા, મલાઈ કોફ્તા, પનીર ભૂરજી, મોદક અને અનારસ માટે કરી હતી.