November 24, 2024

ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ભાજપનો વાયદોઃ ચૂંટણી ઢંઢેરો “સંકલ્પ પત્ર” જાહેર

તમામ દીકરીઓને KGથી PG સુધી મફત ગુણવત્તાયુક્ત મફત શિક્ષણ, પાંચ વર્ષમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તકો, 20,000 શાળાઓને અપગ્રેડ કરવા વચનઃ આયુષ્યમાન કાર્ડની સારવારની મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવા પણ વચન, મહિલાઓ માટે 1 લાખ નોકરી ઉપરાંત આદિવાસીઓ માટે અનેક યોજનાનું વચન

ગુજરાત વિધાનસભા ચૂંટણીને સંલગ્ન ભાજપે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો “સંકલ્પ પત્ર” જાહેર કરી દીધો છે. સંકલ્પ પત્રમાં કેટલાક જૂના વચનો પણ રીપિટ કરાયા છે તો કેટલાક નવા વચનોનો સમાવેશ કરાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતને આર્થિક રીતે વધુ પગભર કરવા માટે ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા ઉપરાંત વિદેશી રોકાણને આકર્ષવા માટે વિવિધ યોજનાઓનું વચન ભાજપે આપ્યું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના ગુણવત્તાસભર શિક્ષણની ચર્ચાને પછાડવા માટે રાજ્યની 20 હજાર જેટલી શાળાઓને પાંચ વર્ષમાં અપગ્રેડ કરવા ઉપરાંત રાજ્યની તમામ દીકરીઓને કેજીથી લઈને પીજી સુધીનું મફત શિક્ષણ આપવાનો વાયદો પણ ભાજપ કરી રહ્યું છે.

ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં ખેડૂતો માટે, આદિવાસીઓ માટે પણ અનેક વાયદાઓ જાહેર કર્યાં છે. તો સાથે જ આરોગ્ય ક્ષેત્રે પણ ગુજરાતીઓને મોટા આર્થિક લાભ આપવાનું વચન આપ્યું છે. ગુજરાતની યુવાનો માટે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાનો પણ વાયદો આ સાથે છે. સંકલ્પ પત્રની મુખ્ય હાઈલાઈટ્સ નીચે મુજબ છેઃ-

  • ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સર્વિસ સેક્ટર તેમજ ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે
  • રૂ. 5 લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષી ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પ્રયાસ કરાશે
  • આદિવાસી વિસ્તારોમાં સર્વાંગી સામાજિક તેમજ આર્થિક વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ રૂ. 1 લાખ કરોડ ખર્ચાશે
  • આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરાશે
  • ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું
  • આદિવાસી વિધાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા માટે 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓ સ્થપાશે
  • અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોરનું નિર્માણ કરીશું.
  • આદિવાસી વિસ્તારોમાં યુવાનો માટે રોજગારી ઊભી કરવાના હેતુ સાથે 8 GIDCની સ્થાપના કરાશે
  • તમામ દીકરીઓને KGથી PG સુધી નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે
  • આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ મુજબ ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ અમલી બનશે
  • મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ રૂ. 10 હજાર કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરાશે
  • ‘કે.કા.શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ અંતર્ગત રૂ. 1 હજાર કરોડના ખર્ચે નવી સરકારી કોલેજોનું નિર્માણ તેમજ હાલ કાર્યરત કોલેજો-યુનિવર્સિટીઓને અદ્યતન બનાવાશે
  • ગુજરાતના યુવાનો માટે આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે
  • IITના તર્જ ઉપર ચાર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપના, વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના લક્ષ્ય સાથે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાશે
  • PDSના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાધ તેલ અપાશે
  • શ્રમિકોને રૂ. 2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની વાર્ષિક મર્યાદા રૂ. 5 લાખથી વધારી રૂ. 10 લાખ કરાશે
  • મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ હેઠળ EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન ઉપલબ્ધ કરાવવા રૂ. 110 કરોડના ફંડનું નિર્માણ કરાશે
  • 10,000 કરોડના ફંડથી મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરાશે, જેથી ૩ નવી સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલોનું નિર્માણ કરાશે જેના થકી વર્તમાન આરોગ્ય સુવિધાઓ મજબૂત બનશે
  • ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરાશે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના’નું 100 ટકા અમલીકરણ, ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરાશે
  • ‘ફેમિલી કાર્ડ યોજના” દ્વારા દરેક પરિવારને રાજ્ય સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ અપાશે
  • ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર તમામ OBC/ST/SC/EWS વિધાર્થીઓને રૂ. 50,000ની પ્રોત્સાહન રકમ અપાશે
  • આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરાશે
  • 3,000 કિ.મી. લાંબા સમગ્ર ગુજરાતને આવરી લેતા પરિક્રમા પથ તેમજ ગુજરાત લિંક કોરિડોર્સ (દાહોદથી પોરબંદરને જોડતી પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને પાલનપુરથી વલસાડને જોડતી ઉત્તર-દક્ષિણ કોરિડોર)નું નિર્માણ કરાશે
  • સૌરાષ્ટ્રના મહત્વના આર્થિક કેન્દ્રો તેમજ નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડને સાકાર કરાશે
  • શહેરી વિસ્તારોમાં નાગરિકોના જીવનસ્તરમાં સુધારો લાવવા ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ રૂ. 25,000 કરોડનો ખર્ચ કરાશે
  • રૂ. 25 હજાર કરોડના ખર્ચે ગુજરાતભરમાં કૃષિ સિંચાઈના હાલના નેટવર્કનું વિસ્તરણ કરાશે
  • પશુધનની સારસંભાળને સુનિશ્ચિત કરવા ગૌશાળાઓને (રૂ.500 કરોડના વધારાના બજેટ સાથે) માળખાકીય રીતે મજબૂત કરાશે
  • 1000 એડિશનલ મોબાઈલ વેટરનરી યુનિટ્સની સ્થાપના તેમજ તમામ પશુઓ માટે રસીકરણ અને વીમાની સુવિધા ઉભી કરાશે
  • પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે રૂ. 1 હજાર કરોડનો ખર્ચ કરાશે
  • રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ જેવી ઘટનાઓ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર-ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા કાયદો લવાશે
  • એન્ટિ રેડિકલાઈઝેશન સેલ બનાવાશે, જે દેશવિરોધી તત્વો, આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખી, તેને દૂર કરવાનું કામ કરશે
  • ‘ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ’ હેઠળ રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરાશે, જેના થકી કૃષિ વિકાસ માટે સર્વગ્રાહી વ્યવસ્થાને મજબૂત કરાશે
  • મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના અમલમાં લવાશે
  • સાગરખેડુ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેનને વધુ મજબૂત કરાશે
  • મત્સ્યોધોગને પ્રોત્સાહન આપવા બ્લુ ઈકોનોમી કોરિડોર અને સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરાશે
  • ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાશે
  • સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા માટે ઝડપથી કામ શરૂ કરાશે
  • ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા રૂ. 2,500 કરોડનું રોકાણ કરાશે
  • દ્વારકાને પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બનાવવા ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવાશે
  • મંદિરોના જીર્ણોદ્ધાર તેમજ વિસ્તરણ માટે રૂ. 1 હજાર કરોડ ફાળવાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો