November 1, 2024

સુરત શહેર પોલીસમાં ડ્રાઈવરોની બદલીનો વિવાદ ફરી ધૂણ્યો, અસંતોષ ફરી શરૂ

અંદાજે 350 પૈકીના માત્ર 74 ડ્રાઈવરોની બદલીનો હુકમ 22મી સપ્ટે.ના રોજ કરાયો હતોઃ અસંતોષ અને ગણગણાટ વધી જતાં બદલી રોકી દેવામાં આવી હતી, વિવાદ શાંત પડતાં હવે હુકમનો અમલ શરૂ કરાયોઃ બદલી પામેલા ડ્રાઈવરોને નવી જગ્યાએ નોકરીની ફરજ સોંપાવા લાગીઃ ખાસ કરીને મહત્વની શાખાઓના ડ્રાઈવરોને યથાવત રાખવા વિવાદનું મૂળ કારણ હોવાની ચર્ચાઃ શિસ્ત-સિદ્ધાંતના આગ્રણી અને કુશળ વહિવટકર્તા પો. કમિ. અજય તોમર પોતાના જવાનોને અન્યાય થતાં રોકે તેવી લાગણી

સુરત શહેર પોલીસમાં બેએક મહિના પૂર્વે એટલે કે તા. 22મી સપ્ટેમ્બરના રોજ 74 જેટલા ડ્રાઈવરોની બદલીના હુકમ કરાયા હતાં. અલબત્ત કેટલાક કારણોસર આ 74 બદલી મુદ્દે વિવાદ સર્જાયો હતો અને જે તે સમયે બદલીના હુકમને કોરાણે મુકી દેવાયો હતો. પરંતુ હવે વિવાદ શાંત થયેલો જણાતાં બદલી કરાયેલા ડ્રાઈવરોને નવી જગ્યાએ નોકરી ચાલુ કરી દેવાની ફરજ પાડી દેવાઈ છે. જેને પગલે બદલી પામેલા કોન્સ્ટેબલોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. જેનું મૂળ કારણ એવું છે કે સુરત શહેર પોલીસમાં જે મહત્વની શાખાઓ છે તેમાં ફરજ બજાવનારા એકેય ડ્રાઈવરોની બદલી કરાઈ નથી. તો સાથે જ હાલમાં જે બદલી કરવામાં આવી છે તેવા ડ્રાઈવરોને પણ કોઈ મહત્વની શાખામાં સમાવાયા નથી. જેથી આવા પોલીસ જવાનો પોતાની સાથે ઓરમાયું વર્તન રખાયું હોવાનું અનુભવી વસવસો કરી રહ્યાં છે.

સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂંક બાદ વિભાગની કામગીરી પ્રસંશનીય રહી છે અને વહિવટમાં પણ ભાગ્યે જ કોઈ ચૂક જોવા મળી હશે. પરંતુ થોડા સપ્તાહ પૂર્વે ડ્રાઈવરોની બદલીના હુકમ મુદ્દે આંતરિક અસંતોષ અને ગણગણાટ જોવા મળ્યો હતો. સુરત શહેર પોલીસ વિભાગમાં ખાસ ડ્રાઈવિંગ સહિતના કામોની વિશેષ ટ્રેનિંગ લીધેલા 350 જેટલા જવાનો ફરજ બજાવે છે. પોલીસ વિભાગના ધારાધોરણ મુજબ જ તેમને પગાર, ભથ્થા મળે છે અને સાથે જ નિયમાનુસાર તેમની સમયાંતરે બદલી, પ્રમોશન પણ થતાં હોય છે. દરમિયાન ગઈ તા. 22.9.2022ના રોજ સુરત શહેર પો.કમિ. અજય તોમરની સહી સાથે એક બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો, જેમાં 74 જેટલા ડ્રાઈવરોની તાત્કાલિક અસરથી બદલીનો આદેશ કરાયો હતો.

આ બદલીમાં ઘણાં જવાનો એવા હતાં કે જેમનો બદલી માટે નિયત સમય થયો ન હતો. કેટલાક એવા હતાં કે જેમણે જ્યાં બદલી માટે અરજ કરી હતી તેને બદલે તેમની અન્યત્ર બદલી કરી દેવામાં આવી હતી. સૂત્રો દ્વારા એવું જણાયું છે કે કાર્યરત ડ્રાઈવર પૈકીના કેટલાક જવાનોની વહેલી બદલી કરી દેવામાં આવી હતી અથવા તો કેટલાકનો બદલીનો સમય વિતી ગયો હોવા છતાં તેમની બદલીનો હુકમ કરાયો ન હતો. સૌથી વધુ અસંતોષ એ વાતનો હતો કે ક્રાઈમ બ્રાંચ, એસઓજી જેવી મહત્વની શાખાઓના ડ્રાઈવરોને યથાવત રખાયા હતાં.

એવું જાણવા મળ્યું હતું કે વિવાદમાં ઘેરાયેલી આ બદલી અને ત્યારબાદનો ગણગણાટ, પોલીસ જવાનોનો કચવાટ પોલીસ કમિ. અજય તોમર સુધી પહોંચ્યો હતો, કદાચ તેમને રજૂઆત પણ થઈ હતી. જેથી 22મી સપ્ટેમ્બરના રોજ બદલીનો હુકમ કરી દેવાયો હોવા છતાં અંદાજે દોઢેક મહિના સુધી બદલીના આ હુકમનો અમલ કરાયો ન હતો. એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે પો. કમિ. અજય તોમરે આ બદલીનો હુકમ રદ્દ કરી વિવાદને શાંત પાડી દીધો છે, જેને પગલે બદલી પામેલા 74 જેટલા ડ્રાઈવરો ઉપરાંત પોલીસ બેડામાં હાશકારો જોવા મળ્યો હતો.

પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે દોઢેક મહિના બાદથી આ બદલીનું ભૂત ફરી ધૂણ્યું છે અને હુકમની અમલવારી શરૂ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બદલી પામેલા અનેક ડ્રાઈવરોને તેમની બદલીની નવી જગ્યાએ ફરજ પર હાજર થવાનું ફરમાન કરી દેવાયું છે અને તેઓએ નવી જગ્યાએ નોકરી શરૂ પણ કરી દીધી છે. જેને પગલે પોલીસ બેડામાં આ બદલીનો વિષય ફરી ચર્ચાની એરણે ચઢ્યો છે. માત્ર 74 ડ્રાઈવરોની બદલી જ કેમ? બદલી પામેલા ડ્રાઈવરોને મહત્વની શાખાઓમાં પણ ફરજ સોંપી શકાતી હતી. તો મહત્વની શાખાઓમાં ફરજ બજાવતાં ડ્રાઈવરોને બદલીમાંથી કેમ બાકાત રખાયા? આવા અનેક પ્રશ્નો પોલીસ બેડામાં ચર્ચામાં આવવા લાગ્યા છે.

એવી ચર્ચા સાંભળવા મળી રહી છે કે અનેક પોલીસ કોન્સ્ટેબલો ઉપરાંત કેટલાક અધિકારીઓનું પણ માનવું છે કે આ બદલીની સમીક્ષા થવી જોઈએ. ઉપરાંત પોલીસ વિભાગમાં સગા-સાવકા જેવું જે વર્તન રખાઈ રહ્યું છે તે પણ બંધ થવું જોઈએ. વહિવટમાં નિષ્ણાંત અને કુશળ, સિદ્ધાંતો તેમજ શિસ્તના આગ્રહી પો.કમિ. અજય તોમર આ બદલી અંગે થોડું ધ્યાન કેન્દ્રિત કરે, કોઈને અન્યાય નહીં થાય તેની કાળજી રાખે તેવી માંગ પોલીસ બેડામાં ઉઠી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *