November 24, 2024

જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવવા મતદાન અવશ્ય કરોઃ પ્રભુસ્વામિ

મતદાનથી દૂર રહેવું એટલે સામે ચાલીને લાયક ન હોય એવા ઉમેદવારો માટે સત્તાનો માર્ગ મોકળો કરી આપવો અને યોગ્ય અને લાયક ઉમેદવારોને અન્યાય કરવોઃ મતદાન જાગૃતિ માટે સુરતના વેડરોડ ગુરૂકુળ ખાતે વિદ્યાર્થીઓએ વોટ ફોર ગુજરાતની વિશાળ માનવાકૃતિ રચી

આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો. બાળકોએ આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા તથા ધર્મેશભાઈ સલીયા તેમજ પીટી અને આર્ટ ટીચરો જગદીશભાઈ પીપળીયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રાઠોડ, ગુરજી વસાવા વગેરેએ આ રચના માટે તૈયારીઓ કરાવી હતી.
મતદાન જાગૃત્તિ માટેની માનવ આકૃત્તિની રચનાની પ્રેરણા આપનાર શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે, જ્યારે મતદાન વગર ખર્ચનું દાન છે અને આ પવિત્ર દાન એક એવું માધ્યમ છે કે જે સરકાર રચી પણ શકે છે, ને સત્તાને પદભ્રષ્ટ પણ કરી શકે છે.
શ્રી પ્રભુ સ્વામીએ વધુમાં કહ્યું કે, શિક્ષિત, શ્રીમંત અને સજ્જન આ ત્રણનો સમૂહ મતદાન કરવામાં ઉદાસીન રહે છે. લોકશાહી વ્યવસ્થામાં મતદાનથી દૂર રહેવું એટલે સામે ચાલીને લાયક ન હોય એવા ઉમેદવારો માટે પણ સત્તાનો માર્ગ મોકળો કરી આપવો અને યોગ્ય અને લાયક ઉમેદવારોને અન્યાય કરવો. એટલે જ જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવનારૂ મતદાન અવશ્ય કરવું. પછી પાંચ વર્ષ પીડા ભોગવવી એના બદલે અત્યારે જ આળસ છોડીને કુશળતા, કુશાગ્રતા અને કર્મઠતાપૂર્વક મતદાન અવશ્ય કરવું.
સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત મહિલા તથા પુરૂષ કાર્યકર્તાઓની સભામાં શ્રી પ્રભુ સ્વામી સહિત ગુરૂકુળના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ ધર્મોપદેશ સાથે મતદાનના કર્મનો પણ મહિમા વર્ણવ્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ-રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવન તેમજ ગુરૂકુલના પાયાના પથ્થર રૂપ સંતો તથા હરિભક્તોના જીવનને વર્ણવતું તથા ગુરૂકુલની ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિદર્શન કરતું પુસ્તક ‘ગુરૂકુલ ગંગોત્રી’નું વિમોચન મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો