સોનિયા ગાંધીના રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ રદ્દ, વિદેશી ફંડિંગનો આરોપ
સોનિયા અધ્યક્ષ, મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ, રાહુલ અને પ્રિયંકા ગાંધી ટ્રસ્ટી તરીકે કાર્યરતઃ ચીને રૂ. 90 લાખનું ફંડિંગ કર્યાના આરોપ સાથે 2020માં ગૃહ મંત્રાલયે બનાવેલી તપાસ સમિતિના રિપોર્ટ બાદ કાર્યવાહીઃ કોંગ્રેસીઓ સ્તબ્ધ, રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ
કેન્દ્રની ભાજપ સરકારે આજે એક મોટી કાર્યવાહી કરી છે. સોનિયા ગાંધીના અધ્યક્ષપણા હેઠળ કાર્યરત NGO (બિન સરકારી સંસ્થા) રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું લાયસન્સ ગૃહ મંત્રાલયે રદ્દ કરી દેતાં કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશન (RGF) ઉપર ગેરકાયદે વિદેશી ફંડ લેવાનો ગંભીર આરોપ હતો અને 2020માં આ આરોપની તપાસ માટે સમિતિનું ગઠન થયું હતું. જેના રિપોર્ટ બાદ આજે ગૃહ મંત્રાલયે RGFનું FCRA લાયસન્સ રદ્દ કરી દીધું છે.
2020માં ભાજપ દ્વારા આરોપ કરાયો હતો કે RGFમાં ફોરેન કન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) વિરુદ્ધ વિદેશી ફંડિંગ કરાયું છે. તત્કાલિન કાયદા મંત્રી અને ભાજપના ટોચના નેતાઓ પૈકીના એક એવા રવિશંકર પ્રસાદે કરેલા આરોપ બાદ 2020માં ગૃહ મંત્રાલય દ્વારા એક તપાસ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં એવી વિગતો બહાર આવી કે 2005-06માં RGFમાં ચીનની એમ્બેસી દ્વારા રૂ. 90 લાખનું ફંડ અપાયું હતું. FCRA હેઠળ બિન સરકારી સંસ્થા વિદેશી ફંડિંગ મેળવી શકતી નથી. જેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં ગૃહ મંત્રાલયે લાયસન્સ રદ્દ કર્યાની નોટિસ ફાઉન્ડેશનની ઓફિસે પહોંચતી કરી દીધી છે.
નોંધનીય છે કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના કોંગ્રેસી અગ્રણીઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વિઝનને પુરા કરવા માટે કરવામાં આવી હતી. 1991થી 2009 દરમિયાન ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, વિજ્ઞાન, ઉદ્યોગ, પુસ્તકાલય જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃત્તિ કરી હતી.