November 23, 2024

સુરતમાં રાતોરાત રિંગરોડના મંદિર, બે દરગાહનું ડિમોલીશન, શ્રદ્ધાળુઓમાં ભારે રોષ

ટ્રાફિકને નડતરરૂપ હતાં અને અકસ્માતનું કારણ બનતાં હોવાનો ખુલાસો, વાહનચાલકોને મોટી રાહત થશેઃ 1000થી વધુ જવાનો સાથે પોલીસના ઉચ્ચાધિકારીઓના લોખંડી બંદોબસ્ત વચ્ચે મંદિર-દરગાહ ઉપર હથોડા ઝીંકાયાઃ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓ અને ત્રણ ઝોનની ટીમો કામે લાગીઃ રાત્રે 11 વાગ્યાથી સંવેદનશીલ ડિમોલીશન, કાટમાળ સાફ કરી રોડ પણ બનાવી દેવાયોઃ દરગાહના મુંજાવર, કોંગી અગ્રણી અસ્લમ સાયકલવાલા સહિત 14 લોકોની અટકાયત બાદ વહેલી સવારે છૂટકારો

હિન્દુઓએ શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી શરૂ કરી છે ત્યારે વાઘબારસની એટલે કે શુક્રવારની રાત્રે જ રિંગરોડ ઉપર પાલિકાએ કરેલા ડિમોલીશનને પગલે મોટો આંચકો લાગ્યો છે. રિંગરોડ ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાય ઓવર બ્રિજને અડીને આવેલું દાયકાઓ જુનું મહાકાળી માતાનું મંદિર ઉપરાંત જુના એપીએમસી માર્કેટ ફુલ બજાર નજીકની એક દરગાહ તેમજ વણકર સંઘ સામે પણ દાયકાઓ જુની દરગાહનું શુક્રવારની રાત્રે ડિમોલીશન કરી દેવામાં આવ્યું છે. લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ત્રણ ઝોનની ટીમો કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં હથોડા ઝીંકી ડિમોલીશન કરી કાટમાળ હટાવી દેવાયો હતો તેમજ નવો રોડ પણ બનાવી દેવાયો હતો. અલબત્ત એક રીતે આ ડિમોલીશનને પગલે સામાન્ય જનતા અને વાહનચાલકોને રાહત થશે કારણકે આ ત્રણેય ધર્મસ્થાનો ટ્રાફિકને અડચણરૂપ હતાં અને અકસ્માતોનું કારણ બનતાં હતાં તેવો ખુલાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિકથી સતત ધમધમતાં રહેતાં અને સુરત શહેરની જીવાદોરી સમાન ગણાતાં રિંગરોડ ઉપર લાખો લોકોને રોજગારી પૂરી પાડતાં ટેક્સટાઈલ માર્કેટો જેવી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જો કે રિંગરોડ ઉપર અનેક પ્રકારના દબાણોને પગલે ટ્રાફિકની સમસ્યા ઘર કરી ગઈ છે. આવા વિવિધ દબાણો ફિનિક્સ પંખી જેવા છે અને તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યા છે. ટ્રાફિક સમસ્યા વધારવા ઉપરાંત અનેક અકસ્માતોનું કારણ આ દબાણો બની રહ્યાં છે.

ત્યારે તંત્રના ધ્યાને એવું આવ્યું હતું કે રિંગરોડ ગોલ્ડન પોઈન્ટ પાસે ફ્લાય ઓવર બ્રિજને અડીને આવેલું દાયકાઓ જુનું મહાકાળી માતાનું મંદિર ઉપરાંત જુના એપીએમસી માર્કેટ ફુલ બજાર નજીકની એક દરગાહ તેમજ વણકર સંઘ સામે પણ દાયકાઓ જુની દરગાહ ટ્રાફિકની સમસ્યા વધારે છે અને અકસ્માતોનું કારણ બની રહ્યાં છે. જેથી છેલ્લાં ઘણાં સમયથી તંત્ર આ ધર્મસ્થાનોને દૂર કરવાનું વિચારતું હતું.

દરમિયાન શુક્રવારની રાત્રે આ સંવેદનશીલ ડિમોલીશનનો તખ્તો ગોઠવાયો હતો. જેમાં રાત્રે 11 વાગ્યાથી રિંગરોડ ટ્રાફિક માટે બંધ કરી દેવાયો હતો અને સહરા દરવાજા આસપાસની તમામ ગલીઓ બેરિકેટ મુકી બંધ કરી દેવાઈ હતી. પોલીસના ઉચ્ચાધિકારીઓ 1000 કરતાં વધુ જવાનો સાથે તહેનાત થઈ ગયા હતાં અને લોખંડી બંદોબસ્ત વચ્ચે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ઉપરાંત વરાછા-એ ઝોન અને ઉધના-એ ઝોનની ટીમોએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ હથોડા ઝીંકી આ ત્રણેય ધર્મસ્થાનોના માળખા જમીનદોસ્ત કરી દેવાયા હતાં અને કાટમાળને ખસેડી, સાફ-સફાઈ કરીને તુરંત જ નવા રોડ પણ બનાવી દેવાયા હતાં.

આ અંગેની જાણ લોકોમાં થતાં બંને ધર્મના શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ લોખંડી બંદોબસ્તને પગલે ડિમોલીશન નિર્વિઘ્ને સંપન્ન થયું હતું. પોલીસ દ્વારા દરગાહના મુંજાવર, કોંગ્રેસી અગ્રણી અસ્લમ સાયકલવાલા સહિતના 14 જેટલા લોકોની પહેલેથી જ અટકાયત કરી લેવામાં આવી હતી અને ડિમોલીશન પત્યા બાદ વહેલી સવારે તેમને છોડવામાં આવ્યા હતાં.

તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંગરોડના આ વિસ્તારમાં હવે ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે અને અકસ્માતો ઘટશે.

હિન્દુ-મુસ્લિમની ધાર્મિક લાગણીની કોઈપણ ચિંતા વિના ડિમોલીશન કરાયુંઃ અસલમ સાયકલવાલા

મુસ્લિમ સમાજ તેમજ કોંગ્રેસના અગ્રણી અસલમ સાયકલવાલાએ સંવેદનશીલ ડિમોલીશન અંગે આકરા પ્રત્યાઘાત આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રિંગરોડ સહરા દરવાજા પાસેની વર્ષો જુની બીબી અમ્માની દરગાહ, હાજી યુસુફની દરગાહ તેમજ મહાકાળી માતાના મંદિરના ડિમોલીશન કરાયાં, પરંતુ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકાએ શહેરમાં અસંખ્ય ગેરકાયદે બાંધકામો સામે આંખ આડા કાન કર્યાં છે. લોકો ભાજપના અસલી ચહેરાને ઓળખે અને આવનારી ચૂંટણીમાં મત પરિવર્તનના સંકલ્પ સાથે તમામ નાગરિકો શાંતિ જાળવે તેવી જાહેર અપીલ તેમણે કરી છે.

ડિમોલીશન કરાયેલા વિસ્તારમાં હવે ટ્રાફિક નહીં થાય, અકસ્માત નહીં થાય, તેની કોઈ ગેરેન્ટી?

શહેરના રિંગરોડ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા છે. આવા માર્ગો ઉપરની ટ્રાફિક સમસ્યાનું કારણ મંદિરો કે દરગાહ નથી હોતાં. પાર્કિંગની સુવિધા વિના ઉભા થઈ ગયેલા ગેરકાયદે બાંધકામો, અડધા રસ્તા સુધી ધસી આવતાં વિવિધ પ્રકારના દબાણો, અસમતોલ રસ્તાઓ, રીક્ષા, ગુડ્ઝ વાહનો કે મોટા વાહનોની આડોડાઈ સહિતના અનેક કારણો છે. હકીકતમાં જ્યાં પણ ટ્રાફિકની સમસ્યા છે, જ્યાં અકસ્માતો વધારે થાય છે તેનો સરવે કરાવવો જોઈએ. સરવેના આધારે જે પણ મુદ્દો સમસ્યા પેદા કરતો હોય તેનું નિર્મૂલન કરવું જોઈએ. હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓ રિંગરોડના ડિમોલીશનથી વ્યથિત છે અને રોષ પણ છે. તેઓ પ્રશ્ન પુછી રહ્યાં છે કે હવે ડિમોલીશનના સ્થળે ક્યારેય ટ્રાફિકની સમસ્યા નહીં ઉદ્ભવશે ને? આ સ્થળે ક્યારેય અકસ્માત નહીં થશે ને? જો એવું બન્યું તો આ ડિમોલીશન યથાયોગ્ય છે, પરંતુ જો ટ્રાફિક અને અકસ્માતોનો સિલસિલો નહીં અટકશે તો તેને માટે જવાબદાર કોણ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો