કથિત લીકર કૌભાંડ, EDના દિલ્હીમાં ફરી 25થી વધુ સ્થળોએ દરોડા
એક્સાઈઝ ડ્યુટીના વિવાદ સંદર્ભે અનેક મોટા શરાબના વેપારીઓના ઘરો-ઓફિસો ખાતે મોટાપાયે સર્ચ ઓપરેશન, અરવિંદ કેજરીવાલ સરકાર ફરી ભીંસમાં
દિલ્હીમાં લીકર કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે. આજે સવારથી ED (પ્રવર્તમાન નિદેશાલય)એ કથિત લીકર કૌભાંડ મુદ્દે 25થી વધુ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં કેટલાક મોટા ગજાના શરાબના વેપારીઓના ઘરો તેમજ ઓફિસો, દુકાનો, ગોડાઉનનો સમાવેશ થાય છે. EDની ફરીથી આવી મોટી કાર્યવાહીને પગલે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર ઉપર ભીંસ વધી છે તો લોકોમાં પણ કથિત લીકર કૌભાંડ મુદ્દે કુતૂહલ વધ્યું છે.
નોંધનીય છે કે રાજધાનીની કેજરીવાલ સરકાર શરાબની દુકાનોના કોન્ટ્રાક્ટ મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ઘેરાયેલી છે. દિલ્હી સરકાર દ્વારા લીકર શોપ્સના જે નવા લાયસન્સ આપવામાં આવ્યા તેમાં મોટું કૌભાંડ આચરાયું હોવાના સંગીન આક્ષેપ થતાં રહ્યાં છે. બીજી તરફ દિલ્હીમાં વિરોધ પક્ષ ભાજપ દ્વારા પણ કેજરીવાલ સરકારને ઘેરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હવે જ્યારે EDએ આજે સવારથી ફરી મોટાપાયે સર્ચની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે શરાબના મોટા વેપારીઓમાં પણ ફફડાટની લાગણી ફરી વળી છે, તો રાજધાનીમાં રાજકીય ગરમાટો પણ આવી ગયો છે.
અગાઉ ગઈ તા. 16મી સપ્ટેમ્બરે પણ ED દ્વારા દિલ્હી-એનસીઆર ઉપરાંત હૈદ્રાબાદ, બેંગ્લુરૂ, નૈલ્લોર, ચેન્નઈ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. 7મી ઓક્ટોબરે પણ દિલ્હી ઉપરાંત પંજાબ અને હૈદ્રાબાદમાં પણ EDએ રેઈડ કરી હતી.