જમ્મુ-કાશ્મીરના DGP (જેલ) હેમંત લોહિયાની હત્યાને પગલે હડકંપ, હત્યારાની ધરપકડ
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની કરપીણ હત્યાથી ખળભળાટ મચી ગયો છે. લોહિયા પોતાના મિત્રને ત્યાં રહેતાં હતાં અને ત્યાં ઘરના નોકરે કાચની બોટલના ઘા ઝીંકવા સાથે કેરોસીન છાંટી આગ લગાડી લોહિયાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસે મેગા સર્ચ ઓપરેશન પાર પાડી હત્યારાને ઝડપી પાડ્યો છે. હત્યારો માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે, છતાં પોલીસે આ હત્યામાં ટેરર કનેક્શન અંગે પણ તપાસ આદરી છે.
જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાના ઘરનું રિપેરીંગ કામ ચાલુ હોવાથી તેઓ પરિવાર સાથે જમ્મુના ઉદયવાલામાં રાજીવ ખજૂરિયાના ઘરે આવ્યા હતાં. દરમિયાન સોમવારની રાત્રે હેમંત લોહિયા પર જીવલેણ હુમલો થયો હતો. ઘરમાં કામ કરતો યાસિર નામનો નોકર લોહિયાના પગમાં માલિશ કરવાના બહાને ગયો હતો અને સોસની કાચની બોટલથી લોહિયા ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. ઉપરાછાપરી ઘા ઝીંકતાં લોહિયાના ગળા, પેટ, ચહેરાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યાસિર અહીં અટક્યો ન હતો અને કેરોસીન છાંટેલા કપડાને આગ ચાંપી તેણે લોહિયાને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
લોહિયાની હત્યા કરી યાસિર નાસી છૂટ્યો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી યાસિરને ઝડપી પાડવા સખત નાકાબંધી કરી હતી. જેમાં આજે યાસિર ખેતરમાં છૂપાયેલો મળી આવતાં તેની ધરપકડ કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે યાસિર આક્રમક સ્વભાવનો છે. તેણે લખેલી ડાયરી મળી આવી છે અને તેના પરથી લાગી રહ્યું છે કે તે ડિપ્રેસનમાં, માનસિક અસ્વસ્થ હાલતમાં હોઈ શકે.
પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસ પરથી એવું લાગતું નથી કે હત્યામાં કોઈ આતંકવાદી કનેક્શન હોઈ શકે, અલબત્ત પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોહિયાની હત્યા બાદ નવા આતંકવાદી સંગઠન TRF દ્વારા લોહિયાની હત્યાની જવાબદારી સ્વિકારવામાં આવી હતી. પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફોર્સ તરીકે આ સંગઠન છેલ્લા ઘણાં સમયથી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય થયું છે અને કેટલાક હુમલાઓની જવાબદારી પણ TRFએ સ્વિકારી હતી. જેથી જ પોલીસ લોહિયાની હત્યાની સઘન તપાસ કરી રહી છે.