સુરતમાં કારમાંથી 75 લાખની બેનામી રોકડ ઝબ્બે, કોંગ્રેસ સામે શંકા, તપાસ EDને હવાલે
ચૂંટણીમાં પ્રતિબંધિત રોકડ તેમજ ચીજવસ્તુની હેરાફેરી રોકવા ઉભેલી સ્ટેટિક્સ ટીમે ઈનોવા કાર રોકી બે જણાંને દબોચ્યા, એક ફરારઃ મહારાષ્ટ્રથી આંગડિયા પેઢીમાં રોકડ મોકલાઈ હતી, મહિધરપુરા આંગડિયા પેઢીમાં તપાસ શરૂઃ કારમાંથી કોંગ્રેસનું સાહિત્ય મળી આવતાં રાજકીય તોફાન શરૂઃ ઝડપાયેલા પૈકી એક સુરતનો, બીજો મહારાષ્ટ્રનો, ભાગેલો કર્ણાટકનો
ગઈકાલે મંગળવારની રાત્રે મહિધરપુરામાં એક કારમાંથી રૂ. 75 કરોડની બેનામી રોકડ મળી આવતાં રાજકીય તોફાન શરૂ થયું છે. પ્રતિબંધિત હેરફેર રોકવા બંદોબસ્તમાં તહેનાત સ્ટેટિક્સની ટીમે એક ઈનોવાને રોકી હતી, જેમાંથી આ રોકડ મળી આવી છે. અલબત્ત કારમાં સવાર 3 પૈકીનો એક નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી રોકડ અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાસ તો કારમાંથી કોંગ્રેસ સંલગ્ન સાહિત્ય મળી આવતાં કોંગ્રેસના કોઈ નેતાની સંડોવણીની ચર્ચા શરૂ થઈ છે. તો બીજી તરફ સમગ્ર પ્રકરણની તપાસ કેન્દ્રિય એજન્સી EDને સોંપાતાં કંઈ મોટું થવાના એંધાણ વર્તાયા છે.
સમગ્ર પ્રકરણ એવું છે કે ગઈકાલે રાત્રીના સુમારે ચૂંટણીના બંદોબસ્તમાં તહેનાત સ્ટેટિક્સ ટીમે એક શંકાસ્પદ કારને રોકી હતી. મહારાષ્ટ્ર પાસિંગની આ કાર નં. MH 04 ES 9907ની તલાશી લેતાં તેમાંથી રૂ. 75 કરોડની બેહિસાબી રોકડ મળી આવી હતી. કારમાં સવાર 3 પૈકીનો એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જ્યારે પોલીસે અન્ય બે જણાંને દબોચી લીધાં છે. જે પૈકીનો એક આરોપી સુરતનો મોહંમદ ફૈઝ છે અને અન્ય દિલ્હીનો ઉદય ગુર્જર છે. નાસી છૂટેલો સંદિપ નામનો યુવક કર્ણાટકનો રહીશ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઝડપાયેલા બંને યુવકોએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે મહિધરપુરાની એક આંગડિયા પેઢીમાંથી તેઓ આ રોકડ લાવ્યા હતાં. વધુ તપાસમાં જણાયું કે મહારાષ્ટ્રની કોઈ આંગડિયા પેઢીમાંથી સુરત આ રોકડનો હવાલો મોકલાયો હતો.
રોકડ મોકલી કોણે? કોને પહોંચાડવાની હતી?
અલબત્ત મહારાષ્ટ્રથી આ રોકડ કોણે મોકલી અને અહીં કોને પહોંચાડવાની હતી? આ રોકડ કયા સંદર્ભની છે? જેવા અનેક પ્રશ્નો હજુ વણઉકેલ્યા છે અને પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે. એટલું જ નહીં, આજે આવકવેરા વિભાગે પણ આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કારની તલાશીમાં પોલીસને કોંગ્રેસને સંલગ્ન કેટલુંક સાહિત્ય મળી આવ્યું છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વીઆઈપી પાર્કિંગ પાસનો સમાવેશ થાય છે. જેથી એવી ચર્ચા ઉઠી છે કે બેનામી રોકડની આ હેરાફેરીમાં કોંગ્રેસના કોઈ નેતાઓની સંડોવણી હોઈ શકે અને ચૂંટણીમાં ગુપ્ત રીતે વાપરવા માટે આ રોકડનો ઉપયોગ થવાનો હતો.
રાજકીય આક્ષેપબાજી શરૂ, કોંગ્રેસી નેતાએ કહ્યું અમને બદનામ કરવાનું કાવતરૂં
કોંગ્રેસ ઉપર આંગળી ચિંધાતાં આજે સુરત કોંગ્રેસના ટોચના નેતા નૈષધ દેસાઈએ એન્ટ્રી મારી હતી અને નિવેદન કર્યું હતું કે કોંગ્રેસની આ પ્રકરણમાં કોઈ સંડોવણી નથી. માત્ર કોંગ્રેસને બદનામ કરવા માટે આ પ્રકરણ રચાયું હોવાનો આક્ષેપ કરવા સાથે તેમણે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અલબત્ત 75 લાખ રૂપિયાની બેનામી રોકડ ઝડપાવા સાથે જ સુરતના રાજકારણમાં તોફાન શરૂ થઈ ચુક્યું છે અને સામસામી આક્ષેપબાજી કરવા ઉપરાંત હવે ચૂંટણી પ્રચારમાં પણ આ પ્રકરણનો ભરપૂર ઉપયોગ કે દુરૂપયોગ થાય તેવું લાગી રહ્યું છે.