ન્યૂઝીલેન્ડમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
- કેર્માડેક દ્વીપક્ષેત્રમાં તીવ્ર આંચકા અનુભવાયા, કેન્દ્ર બિન્દુ જમીનથી 183 કિ.મી. નીચે
- નુક્સાન-જાનહાનિના કોઈ સમાચાર નથીઃ સુનામીનો પણ ખતરો ટળતાં આંશિક રાહત
ન્યૂઝીલેન્ડમાં આજે બપોરે સવા બારેક વાગ્યાના સુમારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતાં, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમેરિકન સિસ્મોલોજીકલ સરવેના રિપોર્ટમાં ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ન્યૂઝીલેન્ડના કેર્માડેક દ્વીપક્ષેત્રમાં જમીનથી 152 કિ.મી. ઊંડાણમાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.9ની હતી. જ્યારે યુરોપિયન સિસ્મોલોજીકલ સેન્ટરના રિપોર્ટ મુજબ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કેર્માડેક ખાતે જમીનથી 183 કિ.મી. ઊંડે અને તેની તીવ્રતા 6.6ની હતી.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેનો અનુભવ ન્યૂઝીલેન્ડના અનેક દ્વીપસમૂહોમાં થયો હતો અને તેને પગલે લોકોમાં ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકો ઘરો-ઓફિસોથી બહાર ખુલ્લામાં દોડી આવ્યા હતાં. અલબત્ત આ લખાય છે ત્યાં સુધી ભૂકંપને પગલે કોઈ નુક્સાન કે જાનહાનિના અહેવાલ સાંપડ્યાં નથી.
સાથે જ રાહતની વાત એ પણ છે કે ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ન્યૂઝીલેન્ડથી દૂર પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં હોવા છતાં સુનામીનો કોઈ ખતરો નથી. અમેરિકન સુનામી વોર્નિંગ સેન્ટરે સુનામીની કોઈ ચેતવણી આપી નથી.
નોંધનીય છે કે થોડા દિવસો પૂર્વે જ તૂર્કિયે અને સીરિયામાં ભૂકંપને પગલે હજારો લોકો મોતને ભેટ્યા હતાં અને ભારે ખુંવારી થઈ હતી. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ વાવાઝોડાના મારમાંથી માંડ બેઠું થયું છે. ત્યારે ભૂકંપના આંચકાને પગલે પ્રજાજનોમાં ભારે ખોફ જોવા મળી રહ્યો છે.