5000km અંતર કાપીને સીગલ પક્ષી બન્યા છે સુરતના મહેમાન
સાઈબિરિયાથી અંદાજે 5000 કિલોમીટરનું અંતર કાપી સીગલ પક્ષી હાલમાં સુરતના મહેમાન બન્યા છે. આ વિદેશી પક્ષી દર વર્ષે શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે. સીગલ પક્ષીઓ તાપી નદીના કિનારાઓ પર ઉડતા જોઈ શકાય છે.
શિયાળાની શરૂઆત સાથે જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા,સાઈબીરિયા સહિત અનેક દેશના પક્ષીઓ આવીને વસવાટ કરે છે, ઠંડા પ્રદેશમાં શિયાળામાં પાણી પણ બરફ થઈ જાય તેવી સ્થિતિ હોવાથી આવા દેશના પક્ષીઓ ભારતમાં અને ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં નદી અને તળાવના કિનારે આવી જાય છે.
સુરતના તાપી નદીના કિનારાઓ, કોઝવે, ગવિયર તળાવ કિનારો, બરબોધન અને ઓલપાડ, હાંસોટ સહિતના અનેક જગ્યાએ આવેલા તળાવ અને ખાડી કિનારે હજારો સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મહેમાન બને છે પરંતુ શિયાળો પૂરો થતાં હજારો માઈલ દૂર આ પક્ષી પોતાના વતન જતા રહે છે.
સામાન્ય રીતે માર્ચ મહિનાની 15 થી 30 તારીખ વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતના મહેમાન બનેલા પક્ષીઓ સુરતમાંથી દેખાતા બંધ થઈ જાય છે. પરંતુ તેઓને અહીંનું વાતાવરણ માફક આવી ગયું હોવાથી ઘણીવાર એપ્રિલ સુધી પણ અનેક પક્ષીઓ સુરતમાં આકરી ગરમીમાં જોવા મળે છે.
જો કે સુરતમાં જે રીતે લોકો પક્ષીઓને સુરતી ચવાણું, ગાંઠીયા જેવો ખોરાક આપે છે તે આ પક્ષીઓ માટે ઘાતક નિવડી શકે છે તેથી તેઓને નેચરલ ફૂડ જ આપવું જોઈએ.