BJP, સુરત મહાનગરે કટોકટી દિનને લોકતંત્રના કાળા દિવસ તરીકે મનાવ્યો
- 1975માં કટોકટી લાદી લોકશાહી અને સંવિધાનનું ગળુ દબાવી દેવાયું હતું, વિપક્ષી નેતા, પત્રકારોને જેલમાં ધકેલાયા હતાં, પ્રેસ-મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવાઈ હતી
વર્ષ ૧૯૭૫માં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા ૨૫ જૂને કટોકટી લાદવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર ૨૫ જૂનના રોજ કાળા દિવસ તરીકે કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ભવન, ઉધના ખાતે કટોકટી કાળા દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, કટોકટી દરમ્યાન જેમણે જેલવાસ ભોગવ્યો હતો તેવા શહેરના પૂર્વ મેયર ફકીરભાઈ ચૌહાણ, અગ્રણી કાર્યકર્તા બાબુલાલ ગુપ્તાજી, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, વિવિધ ધારાસભ્યો, સંગઠન તેમજ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકોઓ, અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેલવાસના અનુભવો જણાવતા ફકીરભાઈ ચૌહાણ દ્વારા તે સમયે જે બનાવો બન્યા હતા તેની યાદ અપાવી હતી. તેમના જણાવ્યા મુજબ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા સત્તા માટે લોકશાહી અને સંવિધાનનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું . વિપક્ષના નેતાઓ સહિત કાર્યકર્તાઓ અને પત્રકારોને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. પ્રેસ અને મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી, વિદેશી પત્રકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અનેક વિપક્ષી નેતાઓ ભૂગર્ભમાં રહેવા માટે મજબૂર થયા હતા.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે લગભગ બે વર્ષ આ પરિસ્થિતિ રહી હતી, જેમાં સત્તા માટે બંધારણના મૂળભૂત અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ સામે સમગ્ર વિપક્ષ એક થયો હતો અને વર્ષ ૧૯૭૭માં શ્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી અને કોંગ્રેસની શરમજનક હાર થઈ હતી. ગુજરાત રાજ્યમાં બાબુભાઇ જશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી.
વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીએ તે સમયે ભૂગર્ભમાં રહી આ દમન સામે લડત ચલાવી હતી અને સંઘર્ષ કર્યો હતો, આજે તેમના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરૂ બની રહ્યો છે.