2024ની ચૂંટણી લડવા ટ્રમ્પની જાહેરાત, ફરી અમેરિકી રાષ્ટ્રપતિ બનવાના અભરખાં
વિશ્વમાં અમેરિકાની રોનક અને તાકાત પાછા લાવવાનું લક્ષ્યઃ 2020માં જો બાઈડેન સામે ટ્રમ્પ હાર્યા હતાં પરંતુ હાર નહીં સ્વિકારવા ભારે ધમપછાડા કર્યા હતાંઃ ટ્રમ્પે હાલની સરકાર ઉપર નિશાન સાધ્યું, જો બાઈડેન અકળાયા
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક રસપ્રદ સમાચાર આવ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે 2024ની ચૂંટણીમાં ઝંપલાવવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. હાલની સરકાર ઉપર નિશાન સાધતાં ટ્રમ્પે અમેરિકાની રોનક અને તાકાત પરત લાવવાનું પોતાનું લક્ષ્ય લોકો સામે મુક્યું છે. અલબત્ત હાલની સરકાર ઉપર નિષ્ફળતાના આક્ષેપ કરતાં જો બાઈડેનની અકળામણ પણ છતી થઈ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવી જાહેરાત કરી છે કે તેઓ અમેરિકામાં થનારી 2024ની ચૂંટણીમાં રાષ્ટ્રપતિના પદ માટે ઝંપલાવશે. આજે તેમણે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ રિબપ્લિકન પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે હાલની બાઈડેન સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે તેનાથી અમેરિકાની ઓળખને નુક્સાન પહોંચ્યું છે. સરકારે લાખો અમેરિકનોને દુઃખી કર્યું છે. તેમણે ઉમેર્યું કે તેઓ બાઈડેન સરકારને વધુ 4 વર્ષ માટે રિપીટ થવા દેશે નહીં. પોતે રાષ્ટ્રપતિ બનશે અને અમેરિકાએ ગુમાવેલી પોતાની મૂળ રોનક તેમજ તાકાત પાછી લાવશે, અમેરિકનોના હિતમાં, સુખ-સમૃદ્ધિ માટે કામ કરશે.
શક્યતા એવી છે કે 2024ની ચૂંટણીમાં ટ્રમ્પની સામે ફરીથી જો બાઈડેન ઉમેદવારી કરી શકે છે. 2020ની ચૂંટણીમાં જો બાઈડેને રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ સામે નોંધપાત્ર જીત મેળવી હતી. જો કે પોતે હાર્યા નથી તેવું બતાવવા માટે ટ્રમ્પે ભારે ધમપછાડા કર્યાં હતાં અને રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શનો સુદ્ધાં થયા હતાં. જેથી હવે અમેરિકામાં પણ ટ્રમ્પની રાષ્ટ્રપતિપદની દાવેદારીથી આંતરિક રાજકારણ ગરમાયું છે અને આવનારી 2024ની ચૂંટણી તેમજ તે પૂર્વેના રાજકીય ઘટનાક્રમો રસપ્રદ, નોંધપાત્ર બની રહેશે તેવું લાગી રહ્યું છે.