ચાલુ વર્ષે પાકિસ્તાનનું અસ્તિત્વ ભૂંસાઈ શકેઃ પ્રો. મુક્તદર ખાન
- અમેરિકાની યુનિ.માં ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટરની ગંભીર ચેતવણી, ભારત સાથે યુદ્ધની પણ સંભાવના
- પાકિસ્તાનમાં પ્રવર્તમાન 6 સંકટના ગંભીર પરિણામ આવશે, લાખો પાકિસ્તાની રિફ્યુજી બની દેશ છોડી વિશ્વભરમાં ભાગી જશે
અમેરિકાની ડેલાવેયર યુનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટર પ્રો. મુક્તદર ખાને પાકિસ્તાન માટે એક ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેમણે પોતાના સ્ટડીઝ સંદર્ભે જણાવ્યું છે કે ચાલુ વર્ષે શક્ય છે કે પાકિસ્તાનના અનેક ટુકડા થઈ જાય, અસ્તિત્વ ભૂંસાઈ જાય. આવા સંજોગોમાં હજારો અને લાખોની સંખ્યામાં પાકિસ્તાનીઓ દેશ છોડી રિફ્યુજી બનીને વિશ્વભરમાં ભાગી જશે અને ભારતમાં પણ તેની ગંભીર અસર થઈ શકે છે. તેમણે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે 2023માં જ ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી શકે અને હાલમાં પાકિસ્તાનના કબ્જા હેઠળનો કાશ્મીરનો ભાગ ભારતમાં ભેળવી દેશે.
પ્રો. મુક્તદરે આ ચેતવણી પોતે કરેલા કેટલાક સ્ટડીઝના સારરૂપે આપી છે અને સમગ્ર સ્થિતિ માટે સંકટ તરીકે 6 પરિબળોને જવાબદાર ઠેરવ્યા છે. જેમાં ઈમરાન ખાનને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં રાજનૈતિક સંકટનો ઉલ્લેખ કર્યો છે. હાલની પાક. સરકાર ઈમરાન ખાન સાથે રાજનીતિક ફૂટબોલ રમી રહી છે અને સરકાર પ્રજા માટે યોગ્ય સમય જ ફાળવતી નથી. અન્ય સંકટ આર્થિક છે. પાક.માં મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને વિકાસદર તળિયે પહોંચી ગયો છે. સરકાર પાસે વિદેશી મુદ્રાભંડાર નથી જેથી ચીજ-વસ્તુની આયાત કરવામાં મોટી તકલીફ છે. ડિફોલ્ટ થાય તો પાક.નું ક્રેડિટ રેટિંગ બરબાદ થશે અને હવે લોન લેવામાં મુશ્કેલી ઉભી થશે.
પાક.માં સુરક્ષાનું સંકટ પણ ઘેરાયું છે. પાક. હાલમાં બે જંગ લડી રહ્યું છે, એક તો અફઘાની તાલિબાનો સાથે અને બીજું તહેરિકે તાલિબાન પાકિસ્તાન સાથે, જે પણ ખૂબ ગંભીર મુદ્દો છે. પાક.માં લોકશાહી જેવું પણ કંઈ રહ્યું નથી. લશ્કર અને ટીટીપી બે સમાંતર સરકારો ચલાવી રહ્યાં છે અને પ્રજાનો મરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં લોકોની ઓળખ ઉપરાંત પર્યાવરણનું સંકટ પણ બિહામણું બની ગયું છે, જે પાકિસ્તાનને વેરવિખેર કરી નાંખે તેવી ભીતિ છે.