2023માં ભારતનો વિકાસદર 6.1% વિશ્વમાં સૌથી વધુ રહેશેઃ IMFની આગાહી
ચીન 4.4%ના વિકાસદર સાથે બીજા ક્રમે જ્યારે સાઉદી અરેબિયા 3.7%ના વિકાસદર સાથે ત્રીજા ક્રમે હશેઃ અમેરિકાનો વિકાસદર માત્ર 1% હશેઃ રશિયાનો વિકાસદર નેગેટિવ એટલે કે -2.3 ટકા, જર્મની, ઈટલી જેવા દેશોનો વિકાસદર પણ નેગેટિવ રહેવાની આગાહીઃ IMFએ લેટેસ્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલોક ગ્રોથ પ્રોજેક્શન જાહેર કર્યુંઃ વૈશ્વિક વિકાસદર પણ ધીમો પડવાની ધારણા
ભારત માટે ખૂબ મોટા, સારા અને રાહતના સમાચાર આવ્યા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) દ્વારા આજે જાહેર કરાયેલા વર્લ્ડ ઈકોનોમિક આઉટલોક ગ્રોથ પ્રોજેક્શનમાં 2023માં ભારતને સૌથી વધુ દરે વિકાસ પામતો દેશ બતાવાયો છે. એટલે કે ભારતનો વિકાસદર 2023માં સૌથી વધુ 6.1 ટકા રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે 2022 તેમજ 2023માં સમગ્ર વિશ્વનો વિકાસદર નોંધપાત્ર ધીમો પડતો બતાવાયો છે. સાથે જ વિશ્વના અમેરિકા જેવા વિક્સિત દેશોનો વિકાસદર પણ માંડ 1 ટકાની આસપાસ બતાવાયો છે. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે રશિયા ઉપરાંત જર્મની અને ઈટલી જેવા દેશોનો વિકાસદર તો નેગેટિવ આંકમાં દર્શાવાયો છે. ત્યારે ભારત માટે જે આગાહી કરવામાં આવી છે તે દરેક ભારતીય માટે ખુશીની વાત છે અને આ આગાહી ભારતના અર્થતંત્રની મજબૂતી અંગે પણ નિર્દેશ કરે છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) દ્વારા આજે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં લેટેસ્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલોક ગ્રોથ પ્રોજેક્શન જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહી મુજબ સમગ્ર વિશ્વનો વિકાસદર 2021માં 6.0 ટકા હતો, જે 2022માં ઘટીને 3.2 ટકા થયો હતો અને હવે તે 2023માં વધુ ઘટીને 2.7 ટકા રહેવાની ધારણા કરવામાં આવી છે. વિકાસશીલ દેશો પૈકી અમેરિકાની વાત લઈએ તો પ્રોજેક્શનમાં અમેરિકાનો 2021નો વિકાસદર 5.7 ટકા હતો જે 2022માં 1.6 ટકા અને 2023માં 1 ટકા અંદાજવામાં આવ્યો છે. તો બીજી તરફ રશિયાનો વિકાસદર 2021માં 4.7 ટકા હતો, જે 2022માં નેગેટિવ આંકમાં -3.4 ટકા અને 2023માં પણ નેગેટિવ આંકમાં -2.3 અંદાજવામાં આવ્યો છે.
વિકાસશીલ દેશો પૈકી ભારતનો 2021નો વિકાસદર 8.7 ટકા હતો જે 2022માં 6.8 ટકા અને 2023માં 6.1 ટકા અંદાજવામાં આવ્યો છે. બીજા નંબરે ચીનના અર્થતંત્રને મજબૂત ગણાવાયું છે. જેમાં 2021માં ચીનનો વિકાસદર 8.1 ટકા હતો જે 2022માં 3.2 ટકા અને 2023માં 4.4 ટકા અંદાજવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે વિક્સિત ગણાતાં યુરોપના અનેક દેશો મંદીના વમળમાં ફસાયેલા બતાવાયા છે. 2023ના જે વિકાસદર આવા દેશોના અંદાજવામાં આવ્યા છે તેમાં યુરો એરિયા 0.5 ટકા, ફ્રાન્સ 0.7 ટકા, સ્પેન 1.2 ટકા, જાપાન 1.6 ટકા, યુકે 0.3 ટકા, કેનેડા 1.5 ટકાનો સમાવેશ થાય છે. તો જર્મની અને ઈટલીના 2023ના વિકાસદરનો અંદાજ નેગેટિવમાં બતાવાયો છે જે અનુક્રમે -0.3 અને -0.2 રહેશે.