વરાછામાંથી બટાકા ચોરાયા, આખેઆખી 17 ગુણો ગાયબ!
- વહેલી સવારે ચોરટાઓ રિક્ષામાં ગુણો ઉઠાવી ફરાર થઈ ગયા, મામલો પોલીસમાં પહોંચ્યો
- મોટા વરાછા સૌરાષ્ટ્ર ટાઉનશીપની ઘટના, શાકભાજીના વધેલા ભાવોને પગલે હવે અન્ય વેપારીઓમાં પણ ઉચાટ
શાકભાજીના ભાવોમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળે છે. શેરબજારની જેમ જ ગમે ત્યારે ગમે તે શાકભાજીના ભાવો આસમાનને આંબી જાય છે, તો ક્યારેક તળિયે બેસી જાય છે. અલબત્ત ક્રમશઃ ભાવો તળિયે બેસવાની ઘટના ઓછી રહે છે.
શાકભાજીના આવા ભાવવધારાએ લોકોને રડાવી મુક્યાં છે, રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે, ત્યારે શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ભૂતકાળમાં પણ ટામેટા, ડુંગળી જેવા શાકભાજીની ચોરીની ઘટનાઓ બની છે. ત્યારે શહેરના મોટા વરાછા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં બટાકા ચોરી થયાની ઘટનાથી લોકોમાં કુતૂહલ જાગ્યું છે, તો બીજી તરફ શાકભાજીના વેપારીઓમાં ડરનો માહોલ પણ જોવાઈ રહ્યો છે.
વાત એમ છે કે ટાઉનશીપની એક દુકાનની બહાર શાકભાજીના કેશવભાઈ પટેલ નામના વેપારીએ ગઈ તા. 30મી જૂનના રોજ બટાકાની 45 ગુણો ખરીદી ગોઠવી દીધી હતી. સારા ભાવો મળે તે રીતે આ બટાકા વેચવાનો વેપારીનો મનસૂબો હતો. જે મુજબ તા. 3જી જુલાઈએ તેમણે 2 ગુણો વેચી પણ હતી. પરંતુ તા. 4થી જુલાઈએ વહેલી સવારે ગુણોની થપ્પીમાંથી અચાનક 17 ગુણો ગાયબ થઈ ગઈ હતી. દુકાનદારે વેપારીને જાણ કરી હતી અને ગણતરી કરી તો 50 કિલો બટાકા ભરેલી 17 ગુણો એટલે કે 850 કિલો બટાકા કિં. રૂ. 17000 ગાયબ હતાં. તપાસ કરવા છતાં કોઈ પત્તો નહીં લાગતાં કેશવભાઈએ ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં ચોરટાઓ બટાકાની ગુણો રીક્ષામાં ચોરી ગયાનું જણાયું હતું. જેથી રીક્ષાના નંબરના આધારે ચોરટાઓનું પગેરૂં મેળવવા પોલીસે પ્રયાસ શરૂ કર્યાં છે. અલબત્ત શાકભાજીની ચોરીની આ ઘટનાને પગલે વેપારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.