November 23, 2024

સુરત સિવિલમાં અંગદાનઃ બ્રેઈનડેડ વ્યક્તિના હાથો, લીવર, કિડનીના દાન

  • પાંડેસરાના 56 વર્ષીય શ્રમજીવીને બ્રેઈન હેમરેજ થયું હતુંઃ તબીબોના પ્રયાસથી સંબંધીઓ અંગદાન માટે તૈયાર થયા
  • બંને હાથો મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ જ્યારે લીવર-કિડની અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સથી મોકલાયા

અંગદાન મહાદાનના સુત્રને સાર્થક કરતા સુરત શહેરે ફરીવાર અંગદાન કરીને માનવતાની અનેરી મહેક પ્રસરાવી છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરોના સફળ પ્રયાસોના પરિણામે આજરોજ બ્રેઈનડેડ સ્વજનના લીવર, બે કિડની અને બે હાથોનું અંગદાન કરીને સુરતના પાટીલ પરિવારે માનવતાની અનોખી મિશાલ પુરી પાડી છે. બ્રેઈનડેડ ૫૬ વર્ષીય ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. સુરત સિવિલનું આ બીજું હેન્ડ ઓર્ગન ડોનેશન, જ્યારે ગુજરાતનું સાતમું હેન્ડ ડોનેશન થયું છે. આ સાથે સુરત સિવિલમાંથી કુલ ૧૬ અંગદાન કરવામાં આવ્યા છે.
સુરતના પાંડેસરા ભક્તિનગર સોસાયટીમાં રહેતા 56 વર્ષીય ભાસ્કર પાટીલ ગત તા.૨/૨/૨૦૨૩ના રોજ તેઓ નિત્યક્રમ મુજબ પાંડેસરા કડિયા નાકા પર કામ માટે જવા નીકળ્યા ત્યારે બેભાન થઈ જતા તેમને સોસ્યો સર્કલની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. સિટી સ્કેન રિપોર્ટમાં મગજના હેમરેજ થયાનું માલુમ પડયું હતું. સઘન સારવાર છતાં ગંભીર હેમરેજના તેમના સ્વસ્થ થઈ શકે તેમ ન હતા. તા. ૮ ફેબ્રુ.ના રોજ સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરા તથા ડો.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવારમાં તેમના ભાણેજ સિવાય કોઈ ન હોવાથી ડો.નિલેષ કાછડીયા સહિતના તબીબી અધિકારીઓએ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ અને તબીબોએ ભાણેજને અંગદાન અંગેની જાણકારી આપી. તેમણે સંમતિ આપતા સોટો અને નોટોની ગાઈડ લાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી હતી.
આજે તા.૯મીએ બ્રેઈનડેડ ભાસ્કર પાટીલના બંને હાથોનું મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું હતું. એર એમ્બ્યુલન્સ દ્વારા સુરત એરપોર્ટથી મુંબઈ પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે લીવર અને બે કિડની અમદાવાદની IKDRC- ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

તમે ચૂકી ગયા હશો