શહેરીજનોની સુરક્ષા માટે 104 મોડીફાઈડ મોટરસાયકલો પોલીસને સોંપાઈ
- ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યુંઃ મોટરસાયકલો બ્લૂ-રેડ લાઈટ, સાયરન ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ
- સુરત સૌથી સુરક્ષિત શહેરોમાં મોખરે, મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી મહત્વનીઃ પો.કમિ. અજય તોમર
સુરત શહેર પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા ઉપરાંત ખાસ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે ૧૦૪ મોડીફાઇડ મોટરસાયકલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફ્લેગ ઓફ આપી પોલીસ જવાનોને અર્પણ કરાઈ હતી. સાથે સાથે સી ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીલક્ષી પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. ૧૦૪ મોડીફાઈડ મોટરસાયકલ પૈકી ૯૧ સુરત શહેર પોલીસ સ્ટેશનો અને ૧૩ મહિલા પોલીસ માટે ફાળવવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલમાં બ્લુ અને રેડ લાઇટ, સાયરન અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ મૂકવામાં આવી છે. મોડીફાઇડ મોટરસાયકલ થકી સુરત શહેરના પ્રજાજનોની સુરક્ષામાં વધારો થશે સાથે ગુનાહિત પ્રવૃત્તિને રોકવા માટે પોલીસની ઝડપી સેવા મળી રહેશે.
આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, સામાન્ય નાગરિકોને સમસ્યા ન થાય અને નાગરિકોને સર્વશ્રેષ્ઠ સેવાઓ મળી રહે તે માટેના સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજયમાં કાયદો, વ્યવસ્થા અને નાગરિક સુરક્ષામાં દેશમાં પહેલા નંબરે આવે છે તેમજ સૌથી સુરક્ષિત શહેરમાં સુરતે પોતાનું સ્થાન મોખરે રાખ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો સંદીપ દેસાઈ, સંગીતાબહેન પાટીલ અને મનુભાઈ પટેલ, એસએમસી સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, પોલીસ વિભાગના અધિકારીઓ, સી ટીમ, શહેરના નગર સેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.