રાજ્યમાં 24 કલાકમાં 10 હત્યા, કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી
- પ્રદેશ પ્રવક્તા મનિષ દોષીએ રાજ્યમાં દારૂ-ડ્રગ્ઝની હેરાફેરી, વ્યાજખોરોના ત્રાસ સહિતના મુદ્દા ઉઠાવ્યા
- 24 કલાકમાં સુરતમાં 3, અમદાવાદમાં બે સહિત 10 લોકોની નિર્મમ હત્યા ગણાવી, ગુનાખોરીને ડામવા માંગ
ગઈકાલે વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં હત્યાના 10 બનાવો પોલીસ ચોપડે નોંધાતાં કોંગ્રેસે સરકારની જોરદાર ઝાટકણી કાઢી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે રાજ્યમાં અસામાજિક તત્વો, ગુંડાઓ બેફામ બન્યા છે અને બેરોકટોક ગંભીર ગુના આચરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર આવા તત્વો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.
મનિષ દોષીએ જણાવ્યું છે કે વિતેલા 24 કલાકમાં રાજ્યમાં 10 લોકોના ઢીમ ઢાળી દેવાયા છે. જેમાં સુરતમાં ડિંડોલી અને લિંબાયત ઉપરાંત વિમલનાથ સોસાયટી નજીક હત્યાના એક બાદ એક ત્રણ બનાવો નોંધાયા છે. અમદાવાદના બાપુનગર તેમજ નિકોલ વિસ્તારમાં પણ હત્યાના બે બનાવો નોંધાયા છે. જ્યારે 1 જામનગરના લાલપુર બાયપાસ નજીક, જામનગર પંથકના પસાયા બેરાજ ગામની સીમમાં, વડોદરાના બાપોદ ગામે, રાજકોટના ગોંડલ રોડ ઉપર શિવ હોટલની પાછળ અને સુરેન્દ્રનગરના 80 ફૂટના રિંગરોડ ઉપર હત્યાના બનાવો નોંધાયા છે.
દોષીએ ઉમેર્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે અને અબજો રૂપિયાના ડ્રગ્ઝની હેરાફેરી થાય છે. રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, નકલી નોટોથી લઈને ચીટફંડ જેવા આર્થિક ગુનાઓથી રાજ્યના લોકો પરેશાન છે. ત્યારે ભાજપ સરકાર, ગૃહ વિભાગ પોલીસ તંત્ર જાગે અને ગુનેગારોને જેલભેગા કરે તો ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાતીઓ શાંતિથી પોતાનું જીવન જીવી શકશે.