November 22, 2024

હિમાચલમાં મતદાન બાદ EVM ખાનગી વાહનમાંથી ઝડપાતાં કોંગ્રેસનું હલ્લાબોલ

રાજધાની શિમલાના રામપુરમાં કોંગ્રેસી કાર્યકરોએ ખાનગી કારને રોકી તલાશી લેતાં EVM/VVPAT મળી આવતાં પોલીસને જાણ કરાઈ હતીઃ ઉતાવળે કામગીરી પૂર્ણ કરવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કર્યાનો અધિકારીઓનો ખુલાસો, આખી ટીમને તાકીદે સસ્પેન્ડ કરાઈઃ કોંગ્રેસે ભાજપ ઉપર EVMમાં છેડછાડનો આરોપ લગાડ્યો

હિમાચલ પ્રદેશમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થયા રાજધાની શિમલાના રામપુર વિસ્તારમાં એક ખાનગી કારમાંથી EVM/VVPAT ઝડપાતાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. હકીકતમાં કોંગ્રેસી કાર્યકરોએ આ કારને ઝડપી પાડી હતી. પોલીસ અને પ્રશાસનને જાણ કર્યા બાદ કારમાંથી EVM/VVPAT મશીનો જપ્ત કરી સમગ્ર પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે ભાજપ ઉપર EVM/VVPATમાં છેડછાડનો ગંભીર આરોપ લગાડ્યો છે.

સમગ્ર હકીકત એવી છે કે ગઈકાલે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી મતદાન સંપન્ન થયા બાદ મોડી સાંજે રાજ્યની રાજધાની શિમલાના રામપુર વિસ્તારમાં એક ખાનગી કારને કોંગ્રેસી કાર્યકરોએ અટકાવી હતી. તપાસ કરતાં કારમાંથી ચૂંટણી મતદાનનો સ્ટાફ EVM/VVPAT લઈને જતાં ઝડપાઈ ગયો હતો. કોંગ્રેસી કાર્યકરોએ આ અંગે પોલીસ તેમજ ચૂંટણી પ્રશાસનને જાણ કરી હતી અને સ્ટાફના ધાડા આવી પહોંચ્યાં હતાં. કોંગ્રેસના રામપુરના ધારાસભ્ય તેમજ કોંગ્રેસી ઉમેદવાર નંદલાલ પણ ત્યાં પહોંચ્યા હતાં અને મોટો હોબાળો શરૂ થયો હતો.

પોલીસ-પ્રશાસને કારમાંથી EVM/VVPAT જપ્ત કર્યાં હતાં અને તેના સિલ તપાસી કોઈ છેડછાડ થઈ ન હોવાનું જાહેર કર્યું હતું. સ્ટાફની પૂછપરછ કરતાં અધિકારીઓએ એવો ખુલાસો કર્યો હતો કે કામગીરી વહેલી પૂર્ણ કરવાની ઉતાવળમાં તેમણે ખાનગી કારનો ઉપયોગ કર્યો હતો. હકીકતમાં EVM/VVPATને મતદાન પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે સિલ કર્યા બાદ સરકારી વાહનમાં જ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જવાના હોય છે. પ્રશાસને આ ઘટનામાં સંડોવાયેલા સમગ્ર પોલિંગ સ્ટાફને તાકીદે સસ્પેન્ડ કરી દીધો છે અને યોગ્ય તપાસના આદેશ પણ જારી કરી દીધાં છે.

આ ઘટના બાદ રાજધાની શિમલા અને રામપુર ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામસામે આવી જતાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. હકીકતમાં કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે સત્તાધારી ભાજપ EVM/VVPATમાં છેડછાડ કરવાનો ઈરાદો ધરાવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *