ગુજરાત વિધાનસભાઃ સુરત જિલ્લાની 16 બેઠકો માટે 61.71 ટકા મતદાન
સૌથી વધુ મતદાન માંડવીમાં 75.24 ટકા જ્યારે સૌથી ઓછું કરંજમાં 50.45 ટકાઃ સ્ત્રી મતદાનની ટકાવારી 60.88 ટકા જ્યારે પુરૂષોની 62.43 ટકાઃ નજીવા વિઘ્નો સિવાય મતદાન શાંતિપૂર્ણ રહેતાં હાશકારો
ગુજરાત વિધાનસભા 2022 માટે પ્રથમ તબક્કામાં આજે સુરત જિલ્લાની 16 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં 61.71 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લામાં કુલ 47,45,980 મતદારો પૈકી 29,28774 મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. નોંધપાત્ર વાત એ રહી છે કે સ્ત્રીઓએ પણ મતદાનમાં નોંધપાત્ર ઉત્સાહ બતાવ્યો છે. પુરૂષ મતદાનની ટકાવારી 62.43 ટકા, જ્યારે સ્ત્રી મતદાનની ટકાવારી 60.88 ટકા રહી છે.
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરાવાયો હતો અને સાંજે 5 વાગ્યે આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. કેટલાક નજીવા વિઘ્નોને બાદ કરતાં તમામ 16 બેઠકો માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં લોકો તેમજ સરકારી તંત્રને પણ હાશકારો થયો છે.
જિલ્લામાં સૌથી વધુ મતદાન માંડવી બેઠક ઉપર 75.24 ટકા જ્યારે સૌથી ઓછું કરંજ બેઠક ઉપર 50.45 ટકા રહ્યું છે. નોંધનીય છે કે ગ્રામિણ તેમજ આદિવાસી બહુમતિ ધરાવતી બેઠકો ઉપર મતદાનની ટકાવારી ઊંચી રહી છે. માંડવીની બેઠક ST છે અને સાથે જ માંગરોળની પણ ST બેઠક માટે 70.59 ટકા, મહુવાની ST બેઠક માટે 73.73 ટકા અને બારડોલીની ST બેઠક માટે 65.97 ટકા ઊંચું મતદાન નોંધાયું છે.