સુરત શહેર પો.કમિ. તોમરની તાકીદે બદલીની કોંગ્રેસની માંગ
ભાજપના નેતાઓના ઈશારે કોંગ્રેસીઓને ખોટી રીતે હેરાન કરાતાં હોવાની, ખોટા કેસો કરી પરેશાન કરાતાં હોવાની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદઃ પો.કમિ. તોમર ઉપરાંત શહેરના લાલગેટ અને લિંબાયત પોલીસ મથકોના ઈન્સ્પેક્ટરો સામે પણ પક્ષપાતી વલણના આક્ષેપ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંકમાં જ થવા જઈ રહી છે ત્યારે સુરત શહેરની વિધાનસભાની બેઠકો મુદ્દે કોંગ્રેસે એક નવું ટ્વિસ્ટ આપ્યું છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના લેટર પેડ સાથે પ્રમુખ હસમુખ દેસાઈએ ગુજરાતના ચીફ ઈલેક્ટરોલ ઓફિસર શ્રીમતિ પી. ભારતીને ઉદ્દેશીને એક પત્ર લખ્યો છે. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર તેમજ લિંબાયત અને લાલગેટના પોલીસ ઈન્સ્પેક્ટરો પક્ષપાતી વલણ અપનાવી, ભાજપ નેતાઓના ઈશારે કોંગ્રેસીઓને ખોટી રીતે હેરાન કરતાં હોવાથી પો.કમિ. અજય તોમર તેમજ બંને પોલીસ મથકોના ઈન્સ્પેક્ટરોની તાત્કાલિક બદલી કરી, વિધાનસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી પ્રક્રિયામાં કરાવવા માંગણી કરી છે.
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે લખેલા પત્રમાં જણાવાયું છે કે ગુજરાત વિધાનસભાની સુરત શહેરની બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે થાય એ માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરની તાત્કાલિક બદલી કરવા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અમો માંગ કરીએ છીએ. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર ગુજરાતમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ – સંસદ સભ્ય સીઆર પાટીલ અને સુરતની મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના સીધા આદેશથી સુરત શહેર કોંગ્રેસના આગેવાનો સામે ચૂંટણી પહેલા ખોટા કેસો કરી ભયનો માહોલ ફેલાવી રહ્યાં છે. તાજેતરમાં સુરતમાં કોંગ્રેસના ચાર આગેવાનો સામે એક જ દિવસમાં બે ખોટા કેસો ઊભા કરી પાસા હેઠળ કાર્યવાહી કરી હતી આ મામલાને કોંગ્રેસ પક્ષના લીગલ સેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. શ્રી તોમર છેલ્લા અઢી વર્ષથી સુરત શહેરમાંમાં કાર્યરત છે. સુરતમાં તા. 29/09/2022 નાં રોજ વડાપ્રધાનશ્રીનાં કાર્યક્રમમાં સરકારની પ્રજા વિરોધી નીતિઓનો “કાળા વાવટા” બતાવી વિરોધ કરતા કોંગ્રેસનાં સક્રિય અગ્રણી કાર્યકર આશિષ રાય (મંત્રી, ગુજરાત કોંગ્રેસ) તેમજ શહેર કોંગ્રેસ સમિતિનાં હોદ્દેદાર ગુલાબ યાદવ, કિશોર શિંદે અને સંતોષ શુક્લા સામે સીઆર પાટીલ, હર્ષ સંઘવી, સંગીતા પાટીલ સહિતના સત્તાધારી પક્ષના આગેવાનોનાં સીધા આદેશથી પોલીસ કમિશનર તોમરના તાબા હેઠળનાં લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા દ્વારા જુદા જુદા સાવ ઉપજાવી કાઢેલ બે ગુના એફ.આઈ.આર. રજીસ્ટર્ડ કરી ધરપકડ કરેલ હતી.
આ ચારેય કોંગ્રેસી આગેવાનોને તા. 30/09/2022 નાં રોજ કોર્ટ માંથી જામીન મળેલ, પરંતુ પોલીસ દ્વારા આયોજનબધ્ધ રીતે કોર્ટમાંથી જ CRPC 151 માં અટકાયત કરીને ફરી પોલીસ સ્ટેશનનાં લોકઅપમાં બંધ કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ માત્ર ને માત્ર ભાજપનાં પ્રદેશ પ્રમુખ અને ગૃહરાજ્ય મંત્રી તથા લીંબાયતના ધારાસભ્યના આદેશથી રાજકીય દબાણમાં લીંબાયત પોલીસ દ્વારા મોડી રાત્રે જાણે આ ચારેય કોઈ રીઢા ગુનેગાર હોય કે,રાજકીય પક્ષ નહીં પણ કોઈ અસામાજીક ગેંગ સાથે સંકળાયેલા હોય એ રીતે આશિષ રાયને મહેસાણા, ગુલાબ યાદવને નડિયાદ, કિશોર શિંદેને રાજકોટ અને સંતોષ શુક્લાને (અમદાવાદ) ખાતેની જેલમાં “પાસા” હેઠળ કાર્યવાહી કરી મોકલી આપવામાં આવ્યાં હતાં. આ કેસમાં નોંધનીય બાબત એ છે કે સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. બી. ઝાલાના સગા ભાઈ રાજવીરસિંહ ઉર્ફે રાજેશ ઝાલા સત્તાધારી પક્ષ ભાજપના ગીર-સોમનાથ જિલ્લાના અગ્રણી અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય છે. એટલે કે પીઆઈનો પરિવાર સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલો હોવાથી મતદારો સાથે સીધા સંપર્કમાં આવે એવા સ્થાનેથી ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનું પોસ્ટિંગ ન હોવું જોઈએ. એમની પણ સુરત શહેરમાંથી તત્કાલિક બદલી થવી જોઈએ. એવી જ રીતે બીજી ઘટનામાં મોંઘવારી સામેના કોંગ્રેસ સમિતિના દેખાવો દરમ્યાન સુરત મહાનગર પાલિકામાં સ્થાયી સમિતિનાં ચેરમેન પરેશ પટેલની કચેરી બહાર દેખાવો કરનાર સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો એડ્વોકેટ ભુપેન્દ્ર સોલંકી, માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા, માજી કોર્પોરેટર શૈલેષ રાયકા ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના સેક્રેટરી પ્રદીપ સિંધવ સહિત 4 કોંગ્રેસી આગેવાનો સામે ખોટી રીતે લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે રાયોટિંગ જેવો ગંભીર ગુનો દાખલ કરનાર લાલગેટ પોલીસ મથકના ઇન્સ્પેક્ટરની પણ સુરત શહેર બહાર મુક્ત અને ન્યાયી ચૂંટણી કરવા માટે બદલી કરવી અનિવાર્ય બને છે. સુરતના પોલીસ કમિશનર, લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર અને લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી લાકતાંત્રિક રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન માટે તાત્કાલિક અસરથી કરવી જોઈએ.