સુરત પૂર્વનો વિવાદ, દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની કચેરીએ આપનું વિરોધ પ્રદર્શન
આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી સિસોદીયા કાર્યકરો સાથે ચૂંટણી કમિશનની ઓફિસે રજૂઆત માટે પહોંચ્યાઃ આપ ઉમેદવારનું અપહરણ કર્યું અને ગનપોઈન્ટ પર ફોર્મ પરત ખેંચાવ્યાના આક્ષેપઃ કેજરીવાલે પણ આકરી પ્રતિક્રિયા આપી, લોકશાહી સામે પ્રશ્ન ઉઠાવ્યો
સુરત પૂર્વ બેઠકના આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં આ ઘટનાક્રમના આકરા પ્રત્યાઘાત શરૂ થયા છે. આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ સમગ્ર ઘટના પાછળ ભાજપને જવાબદાર ઠેરવી છે. એટલું જ નહીં, આપ ઉમેદવારનું અપહરણ કરી તેને ગનપોઈન્ટ ઉપર ફોર્મ પરત ખેંચાવ્યું હોવા સાથે જ આ ઘટનામાં પોલીસ તેમજ ગુંડાઓની મિલીભગત હોવાના પણ સંગીન આક્ષેપ કર્યાં છે.
સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલા બેએક દિવસથી પરિવાર સમેત ગાયબ હોવાનું ચર્ચાની એરણે ચઢ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવીએ, ભાજપના ગુંડાઓએ કંચન જરીવાલાનું અપહરણ કરાવ્યું હોવાના આક્ષેપ કર્યાં હતાં. જો કે આજે નાટકીય વળાંક સાથે કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
તેના પ્રત્યાઘાત તરીકે આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર પ્રહારો કરવા શરૂ કર્યાં છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટર ઉપર એક વીડિયો મુકવા સાથે લખ્યું છે કે પોલીસ અને ગુંડાઓએ બળજબરીથી કંચન જરીવાલાને ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલે પણ પોતાની ટ્વિટમાં એવો ઉલ્લેખ કર્યો કે પોલીસ અને ગુંડાઓએ આપના ઉમેદવારનું ફોર્મ બળજબરીથી પરત ખેંચાવ્યું છે. આ ક્યાંનો ન્યાય છે, આમાં લોકશાહી ક્યાં છે, હવે ચૂંટણીનો શો મતલબ છે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ પણ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે ઉમેદવારનું અપહરણ થઈ ગયું, ગનપોઈન્ટ ઉપર તેનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવી લીધું. ચૂંટણી પંચ માટે આનાથી મોટી ઈમરજન્સી કઈ હોઈ શકે તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે. એટલું જ નહીં, કંચન જરીવાલાના ફોર્મ પરત ખેંચવાની ઘટનાના પડઘા રાજધાની દિલ્હીમાં પણ પડવા લાગ્યા છે. સિસોદીયા આમ આદમીના અગ્રણીઓ તેમજ કાર્યકરો સાથે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યા છે અને સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાના ફોર્મ પરત ખેંચવાની ઘટના અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. સિસોદીયાએ વધુમાં એવા પ્રત્યાઘાત આપ્યા છે કે દેશમાં પહેલી વખત એવું બન્યું છે કે ભાજપના ગુંડાઓ અને પોલીસે સાથે મળીને ગનપોઈન્ટ ઉપર કોઈ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યું હોય. પોલીસે ફોર્મ પાછું ખેંચાવ્યા બાદ ઉમેદવારને ભાજપના ગુંડાઓને હવાલે કરી દીધો છે.