સુરત પૂર્વની ચૂંટણીમાં નાટકીય વળાંક, ગાયબ ચર્ચાયેલા આપના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું
આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત ગાયબ હોવાની વાત ઉડી હતી, ભાજપના ગુંડાઓએ અપહરણ કર્યાંનો આક્ષેપ થયો હતોઃ અગાઉ ભાજપ ઉમેદવાર અરવિંદ રાણાએ, જરીવાલાની ઉમેદવારી રદ કરવા અરજી કરી હતીઃ ભાજપને સીધો ફાયદો થાય તેવું રાજકીય ગણિત, ભાજપીઓ માથે માછલાં ધોવા શરૂ
વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે ત્યારે આજે સુરત પૂર્વની બેઠકમાં એક મોટો નાટકીય વળાંક આવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા કે જે બેએક દિવસથી સપરિવાર ગાયબ હોવાનું ચર્ચાતું હતું તેમણે આજે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતાં આપને મોટો આંચકો લાગ્યો છે. કારણકે પૂર્વની બેઠક ઉપર જો આમ આદમી પાર્ટી લડે તો ખરાખરીનો જંગ થાય તેમ હતું. પરંતુ હવે આપની ઉમેદવારી નીકળી જતાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી હરિફાઈ થશે અને ભાજપ સરળતાથી જીતી જશે તેવી રાજકીય ગણતરી મંડાઈ રહી છે.
સુરત પૂર્વની બેઠક ભાજપ માટે થોડી અઘરી સાબિત થઈ છે. વિજય થાય તો પણ સરસાઈ ખાસ નથી હોતી, કારણકે મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. અગાઉ આ બેઠક કોંગ્રેસે જીતી હતી અને ત્યારબાદ પણ ભાજપને સરળ કહી શકાય તેવી જીત મળી શકી નથી. હાલના સંજોગોમાં આમ આદમી પાર્ટીનું જોર દેખાતું હોવાથી પૂર્વ બેઠક ભાજપ માટે માથાનો દુઃખાવો સાબિત થવા લાગી હતી. કારણકે કોંગ્રેસે અસલમ સાયકલવાલા જેવા મજબૂત ઉમેદવારને ઉભા રાખ્યા છે અને મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર હોવા ઉપરાંત પૂર્વ કોર્પોરેટર સાયકલવાલા સક્રિય હોવાથી ભારે રસાકસી જામે તેમ છે. આવા સંજોગોમાં જો આમ આદમી પાર્ટીના ઉમેદવાર હિન્દુ મતો તોડવામાં સફળ થાય તો ભાજપને મોટું નુક્સાન થાય તેમ હતું. જેથી પૂર્વ બેઠકને મજબૂત બનાવવા માટે ભાજપે પહેલેથી જ પ્રયત્નો આરંભી દીધાં હતાં.
દરમિયાન આમ આદમી પાર્ટીમાંથી કંચન જરીવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. આપનું જોર પણ વધી રહ્યું છે ત્યાં જરીવાલા પણ ખાસ્સા મત તોડે તેવું લાગ્યું હતું. જેથી કંચન જરીવાલાનું ફોર્મ રદ કરવાથી ભાજપે પાસા પાડવા શરૂ કરી દીધાં હતાં. ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાએ કંચન જરીવાલાની ઉમેદવારી અંગે વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી પંચને કરેલી વાંધા અરજીમાં તેમણે એવા આક્ષેપ કર્યાં હતાં કે કંચન જરીવાલાએ પોતાના વાહનની વિગતો છુપાવી છે, પોતાની સામેના ગુના અંગેની વિગતોનો ઉલ્લેખ કર્યો નથી, દીકરાને આશ્રિત તરીકે દર્શાવ્યો છે તેવા ચાર વાંધા ઉઠાવી ભાજપ ઉમેદવાર રાણાએ આપ ઉમેદવાર જરીવાલાની ઉમેદવારી રદ કરવાની અરજ કરી હતી.
અલબત્ત આ વાંધાઓ નકારી કાઢી ચૂંટણી પંચે આપ ઉમેદવાર કંચન જરીવાલાનું ફોર્મ મંજૂર કરી દીધું હતું. ત્યારબાદ જ કંચન જરીવાલા એકાએક પોતાના પરિવાર સાથે ગાયબ થઈ ગયા હોય તેવી ચર્ચા ઉઠી હતી. એટલી હદે કે આપના મુખ્યમંત્રી પદના ચહેરા ઈશુદાન ગઢવીએ તો એવા આક્ષેપ કરી દીધાં હતાં કે ભાજપના ગુંડાઓએ કંચન જરીવાલાનું અપહરણ કર્યું છે. જેથી પૂર્વ બેઠક પર રાજકારણ ગરમાયું હતું.
આ તમામ આક્ષેપો વચ્ચે આજે નાટકીય રીતે આપ ઉમેદવાર કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે અને ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી લીધી છે. સ્વાભાવિક રીતે જ હવે કાયદા મુજબ પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીનું નામ નીકળી ગયું છે. કાયદો એવો છે કે જો આપ ઉમેદવાર કંચન જરીવાલાના ડમી ઉમેદવાર ચૂંટણીમાં ઝંપલાવે તો પણ તેમને આમ આદમી પાર્ટીનું મેન્ડેટ આપી શકાય નહીં અને ચૂંટણી ચિહ્ન વિના અપક્ષ ઉમેદવાર તરીકે જ ચૂંટણી લડવી પડે. જેથી કંચન જરીવાલાના ફોર્મ પરત ખેંચવાથી આમ આદમી પાર્ટીને ખૂબ મોટો ફટકો પડી ગયો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે પૂર્વ બેઠક ઉપર મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ જો આમ આદમી પાર્ટીના ઉમદેવાર ચૂંટણીમાં રહેતે તો હિન્દુ મતનું વિભાજન થાય અને ભાજપને તકલીફ પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી હરિફાઈ થાય અને ભાજપને જીતમાં સરળતા રહેશે તેવું ગણિત રાજકીય પંડિતોએ માંડ્યું છે.