સુરત પાલિકાના પે એન્ડ પાર્કમાં શરૂ થયું ઝૂમ બરાબર ઝૂમ, નશાની હાલતમાં બે શરાબી ઝબ્બે
1લી નવેમ્બરે તો હજુ કોન્ટ્રાક્ટરે લાલ દરવાજા પાલિકાના પે એન્ડ પાર્કનો ચાર્જ સંભાળ્યો છેઃ પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી અને બે જણાં લથડિયા ખાતાં ઝડપાઈ ગયાઃ પાર્કિંગના કોન્ટ્રાક્ટ મુદ્દે પણ અગાઉ વિવાદ થયો હતો, નવા કોન્ટ્રાક્ટરને પાલિકાના એક પદાધિકારીનું પીઠબળ હોવાની પણ ચર્ચા
સુરત મહાનગરપાલિકાનું લાલદરવાજા બંદુગરાના નાકે સ્થિત મલ્ટી લેવલ પાર્કિંગ ફરી વિવાદમાં આવ્યું છે. અગાઉ કોન્ટ્રાક્ટ મુદ્દે વિવાદ ચર્ચાની એરણે ચઢ્યો હતો, હવે પાર્કિંગમાંથી બે શરાબીઓ ઝડપાતાં સમગ્ર ઘટના પોલીસ ચોપડે ચઢી છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાર્કિંગમાંથી બે જણાંને નશાની હાલતમાં ઝડપી પાડ્યા બાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી એવી વિગતો સાંપડી છે કે મહિધરપુરા પોલીસનો સ્ટાફ તા. 4થીની રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે લાલદરવાજા બંદુગરાના નાકે સ્થિત સુરત મહાનગરપાલિકાના મલ્ટી લેવલ પાર્કિંગમાં બે યુવાનો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતાં. તેમની આંખો લાલચોળ હતી અને પોલીસે તેમની પૂછપરછ શરૂ કરતાં તેઓ તોતડાતી ભાષામાં જેમ તેમ બોલી શકતાં હતાં. તેમને ચાલવાનું કહેતાં તેઓ પોતાના શરીરનું સંતુલન યોગ્ય રીતે જાળવી શકતા ન હતાં અને લથડિયા ખાતાં હતાં. સ્પષ્ટ થતું હતું કે તેઓ નશાની હાલતમાં હતાં, જેથી પોલીસે તે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બંને શરાબીઓની ઓળખ પ્રકાશ દામજીભાઈ પટેલ (ઉ.વ. 31, રહે. 37-38 મીરાનગર સોસાયટી, મીની બજાર વરાછા) અને રાજેશ પરષોત્તમભાઈ સાંખલા (ઉ.વ. 33, રહે. 101, સુરભી કોમ્પ્લેક્ષ, જુની લાયબ્રેરી સામે, કતારગામ) તરીકે થઈ હતી. વધુ ખાતરી માટે તેમના લોહીના નમૂના લેવાની પ્રક્રિયા સાથે બંને વિરૂદ્ધ ગુજરાત નશાબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે લાલદરવાજા સ્થિત સુરત મહાનગરપાલિકાનું આ મલ્ટી લેવલ પાર્કિંગ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. નવી ટર્મના કોન્ટ્રાક્ટ માટે પાલિકા દ્વારા ટેન્ડરથી લઈને અંત સુધીની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી તેની સામે આંગળી ચિંધાઈ હતી. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને પાલિકાના શાસકપક્ષના એક મોટામાથાનું પીઠબળ હોવાનું પણ ચર્ચામાં રહ્યું હતું. હવે જ્યારે કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું અને ચાર જ દિવસમાં ત્યાંથી બે દારૂડિયા ઝડપાતાં ફરીથી આ વિવાદ ચર્ચાની એરણે ચઢ્યો છે. દારૂના નશામાં ઝડપાયેલા બંને જણાં પાર્કિંગના સ્ટાફ પૈકીના કે પછી કોન્ટ્રાક્ટરના નજીકના વર્તુળના હોવાનું જાણવા મળી રહ્યું છે.