QR કોડ દ્વારા વન વિભાગની નર્સરીનું મેળવાશે લોકેશન
સુરત:ગુરૂવાર: લોકો પ્રકૃતિનું મહત્વ સમજે અને તેનું જતન કરે એ હેતુથી વિશ્વભરમાં દર વર્ષે તા.૨૮ જુલાઇએ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે. ત્યારે આ અંતર્ગત સુરતમાં વન વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે મુજબ સુરત જિલ્લામાં કાર્યરત કુલ ૮ સરકારી નર્સરીઓમાં ૩૪ લાખ રોપા વિતરણ માટે તૈયાર કરાયા છે. પર્યાવરણપ્રેમી નાગરિકો પોતાના વિસ્તાર નજીકની નર્સરીમાંથી રોપાઓ મેળવી શકે એ માટે વન વિભાગ દ્વારા એક ‘ક્યૂઆર કોડ’ લોન્ચ કરાયો છે, જેને સ્કેન કરીને નજીકની નર્સરીનું લોકેશન મેળવી અધિકારીનો સંપર્ક કરીને નર્સરીમાં કયા વૃક્ષો ઉપલબ્ધ છે તેની જાણકારી મેળવી શકાશે.
સુરતના ડુમ્મસમાં સૌપ્રથમ વખત ‘કવચ વન’ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં નગરવન પણ સાકારિક થઈ રહ્યુ છે. કવચ વન એટલે એવો વિસ્તાર જ્યાં ખૂબ ઓછા વિસ્તારમાં ખૂબ ઝડપી વૃદ્ધિ પામે એવા વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હોય. ઓલપાડ, બારડોલી અને માંડવીમાં પણ એક-એક કવચવન તૈયાર કરવાનું આયોજન છે. આ ચારે વિસ્તારના કવચવનમાં ૧૭,૦૦૦ છોડ વાવવામાં આવશે. ગત વર્ષે સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં બારડોલી અને ઉંમરપાડામાં બે ‘નમો વડવન’ નિર્માણ કરાયા છે, જેમાં પ્રાણી-પક્ષીઓને નૈસર્ગિક છત્ર મળે અને લોકોને હરવા-ફરવા સાથે માનસિક શાંતિ મળી શકે એવું વાતાવરણ, કુદરતી સૌંદર્યનો અનુભવ મળશે.
આ વર્ષે જે ખેડૂતોએ ખેતરમાં નીલગીરી અથવા અન્ય રોપાનું વાવેતર કર્યું હોય તેમને રાજ્ય સરકાર તરફથી લાભાર્થી ખેડૂતોને ૪૦ લાખથી વધુની સબસિડી આપવામાં આવશે.વન વિભાગની ઉમદા કામગીરીથી સુરત જિલ્લામાં આજે વનરાજિમાં વધારો થઇ રહ્યો છે. સુરત જિલ્લામાં સૌપ્રથમ વખત વન વિભાગ દ્વારા ૨૦ હજાર કેસર આંબા કલમના ખેડૂતોને રૂ.૨૫માં મળશે.સુરત વન વિભાગ દ્વારા અંદાજિત ૮.૫૦ લાખ રોપાનું વાવેતર કરાયુ છે. આ ઉપરાંત સુરત વન વિભાગ દ્વારા ટેકનોલોજીના યુગમાં અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં લોકોને વિતરણ કરવા માટેના રોપા ગુજરાત રાજ્ય, વન વિભાગ દ્વારા એક QR કોડ બનાવવામાં આવ્યો છે જેની મદદથી મોબાઇલમાં QR કોડ સ્કેન કરી જે તે વ્યક્તિ પોતાની આસપાસના વિસ્તારમાં નજીકમાં આવેલ નર્સરી, ત્યાંના અધિકારીનો નંબર અને કયા રોપા નર્સરીમાં ઉપલબ્ધ છે તેની વિગત વાર માહિતી મેળવી શકાશે.