October 30, 2024

જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘શ્રી અન્ન’ સ્પર્ધા યોજાઈ

સુરત:ગુરુવાર: મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના આઈ.સી.ડી.એસ અને આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ (AMNS)ના સંયુક્ત ઉપક્રમે અડાજણના ડૉ.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ ખાતે જિલ્લા કક્ષાની ‘શ્રી અન્ન’(મિલેટ્સ) વાનગી સ્પર્ધા જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ લોકોમાં ભારતીય પારંપરિક ધાન્યો જેવા કે જુવાર, બાજરી, નાગલી, કોદરા, કાંગ, રાગી વિષે જાગૃત કરવાનો તેમજ મિલેટ્સમાંથી બનતી પોષણયુક્ત વાનગીઓને પ્રચલિત કરવાનો હતો. કલેકટરશ્રીના હસ્તે વિવિધ આંગણવાડીની બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાનો માતા યશોદા અવોર્ડ અને ચેક પણ અર્પણ કરાયા હતા.
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત યોજાયેલી શ્રી અન્ન સ્પર્ધામાં સુરત જિલ્લાનાં ૯ તાલુકાના ૧૪ ઘટકોની આંગણવાડીઓની ૪૨ કાર્યકર બહેનો દ્વારા મિલેટસમાંથી શ્રેષ્ઠ વાનગી જેવી કે, પિત્ઝા, સુખડી, થેપલા, ઢોકળા, લાડુ, શીરો, અપ્પમ, વેજિટેબલ ટીકી, મિક્સ મિલેટના વડા, મૂઠિયા, પુડલા, સરગવાની ચટણી સહિતની વિવિધ ૪૨ વાનગીઓ બનાવાઈ હતી. આ વાનગીઓનું નિર્ણાયકો દ્વારા નિરીક્ષણ કર્યા બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ અવનવી વાનગીઓ બનાવી ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લેવા બદલ આંગણવાડીની કાર્યકર્તા બહેનોને અભિનંદન પાઠવી મિલેટ્સનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આધુનિકરણને કારણે બદલાતી જીવનશૈલી અને તેને લીધે વધતા રોગો પર પ્રકાશ પાડી લોકોને રોજિંદા જીવનમાં મિલેટ્સનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જાડા ધાન્ય ઉત્તમ આહાર છે. પારંપારિક ખેત પેદાશોને દૈનિક આહારમાં સ્થાન આપવાથી શારીરિક સ્વાસ્થ્યમાં ઉત્તરોત્તર વધારો છે
કલેક્ટરશ્રીએ ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને અન્ય મહિલાઓને વિશેષરૂપે મિલેટ્સનું નિયમિત સેવન કરવા જણાવ્યું હતું. તેમજ આંગણવાડીના બાળકોને નિયમિત રીતે શ્રી અન્ન માંથી બનેલી વાનગીઓ જમાડવાનો અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *