November 21, 2024

ડીજે-ડાન્સ રાખ્યા હશે તેવી શાદીમાં મૌલાના નિકાહ નહીં પઢાવે

  • યુપીના મેરઠમાં મુસ્લિમ ધર્મગુરુઓએ શાદીની રસમોમાં હલ્દી-મહેંદી જેવી વિધિના પણ બહિષ્કારનો નિર્ણય લીધો
  • કલાવા નહીં બાંધવા, લાલખતને બદલે ઈમામોએ તૈયાર કરેલા સાદાખત જ માન્યઃ સમાજની બદીઓ દૂર કરવા અપીલ

યુપીના મેરઠમાં મુસ્લિમ ધર્મગુરુઓએ એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. શુક્રવારની રાત્રે જામા મસ્જિદમાં ઈસ્લાહે મુઆશરા કાર્યક્રમનું આયોજન મૌલાના અનીસ અહેમદ આઝાદ દિલ્હીના મુખ્ય અતિથિ પદે કરાયું હતું. મુફ્તી નઈમ કાશ્મીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ બિરાદરોને દીની રાહ પર ચાલવા તેમજ સમાજમાં ફેલાયેલી બદી, બુરાઈઓને ખત્મ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

ધર્મગુરુઓએ એવો નિર્ણય જાહેર કર્યો હતો કે જે શાદીમાં ડીજે પાર્ટી હશે, નાચ-ગાન થશે ત્યાં કોઈપણ મૌલાના જશે નહીં અને નિકાહ પઢાવશે નહીં. આ ઉપરાંત શાદીની વિવિધ રસમો એટલે કે વિધિઓ પૈકી મહેંદી, હલ્દી, કલાવા બાંધવાનો પણ બહિષ્કાર કરાયો છે. સાથે જ અગાઉ જ લાલખત તૈયાર થતો હતો તેને બદલે હવે ઈમામોએ તૈયાર કરેલા સાદાખતને જ વિધિમાં સામેલ કરવા અપીલ કરવામાં આવી છે, અન્યથા મૌલાનાઓ નિકાહ પઢાવશે નહીં.

એવું નક્કી કરાયું કે નિકાહની રસમ મસ્જિદમાં જ ધર્મના નિયમોને અનુસરીને કરાવવામાં આવશે. ડીજે-ડાન્સ, વરઘોડો, આતશબાજી જેવી સમાજમાં ફેલાયેલી બુરાઈઓને સ્વીકારાશે નહીં અને આવી શાદીઓમાં મૌલાના નિકાહ પઢાવશે નહીં. આ સાથે જ બર્થ ડે જેવા કાર્યક્રમોમાં યોજાતી પાર્ટીઓના બહિષ્કારની પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ મૃત્યુ બાદ બીજા દિવસે જે દાવત રાખવામાં આવે છે તેને બંધ કરવા પણ ધર્મગુરુઓએ નિર્ણય જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *