શેત્રુંજય તીર્થ વિવાદઃ નવસારીના જૈન વેપારીઓ 21મીએ બંધ પાળશે
- પાલિતાણા શેત્રુંજય તીર્થધામ ખાતે વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ બાબતે દુઃખ વ્યક્ત કર્યું
- નવસારીના અન્ય વેપારીઓને પણ સ્વૈચ્છિક બંધ પાળવા નમ્ર અપીલ કરી
જૈન ધર્મના અત્યંત પવિત્ર ગણાતાં પાલિતાણા સ્થિત શેત્રુંજય તીર્થનો મુદ્દો હજુ પણ શમ્યો નથી અને જૈન ધર્મના અનુયાયીઓ યોગ્ય ઉકેલ માંગી રહ્યાં છે. ત્યારે નવસારીના જૈન વેપારીઓએ આ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કરવા તા. 21મીના રોજ નવસારીમાં પોતાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત અન્ય વેપારીઓને પણ સહકાર આપવા અપીલ કરી છે.
નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચર્સ એસો.ના પ્રમુખ રાકેશ શર્માએ જણાવ્યું છે કે પાલિતાણા સ્થિત પવિત્ર શેત્રુંજય જૈન તીર્થધામ ખાતે અસામાજિક લુખ્ખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. મંદિરોમાં તોડફોડ ઉપરાંત ગુરૂજનો કે ભક્તો ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસ પણ થઈ રહ્યાં છે. જૈન સમાજ કીડી-મંકોડા જેવા તદ્દન નાના જીવ તરફ પણ દયાભાવ વર્તે છે, ત્યારે સમાજ આવા અત્યાચાર કઈ રીતે સાંખી લઈ શકે?
જૈન તીર્થધામ ખાતે આવી અસામાજિક પ્રવૃત્તિઓના વિરોધમાં તા. 21મી ડિસેમ્બરના રોજ નવસારી મેટલ મર્ચન્ટ્સ એન્ડ મેન્યુફેક્ચર્સ એસો.ના જૈન સભ્યો પોતાની દુકાનો બંધ રાખશે. સાથે જ તેમણે પોતાના અન્ય સભ્યો તેમજ વેપારીઓને પણ અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે પોતાની દુકાનો બંધ રાખી સહકાર આપે. સાથે જ તેમણે ઉમેર્યું કે દુકાન બંધ રાખવાનો આ નિર્ણય ફરજિયાત નથી, આ ધર્મ, સમાજ અને દેશનો પ્રશ્ન છે. આજે જૈનો સાથે અત્યાચાર થયો છે, તો કાલે આપણા બીજા હિન્દુઓ સામે પણ આવો પ્રશ્ન આવી શકે.